જિનેવાઃ યુક્રેન પર રશિયાના હુમલાને લઈને અમેરિકાની મધ્યસ્થતામાં રશિયા અને યુક્રેનના રાજદૂતો વચ્ચેની આજે મળેલી બેઠકમાં કોઈ સફળતા મળી નહોતી. બંને પક્ષોએ કહ્યું કે વાતચીત ખૂબ મુશ્કેલ હતી. સ્વિઝરલેન્ડમાં થયેલી વાતચીત અમેરિકા તરફથી યોજાયેલી વાટાઘાટોનો આ ત્રીજો રાઉન્ડ હતો. અગાઉ આ વર્ષની શરૂઆતમાં અબૂ ધાબીમાં બેઠક થઈ હતી જેને અધિકારીઓએ સફળ ગણાવી હતી, પરંતુ ત્યાર બાદ કોઈ પ્રગતિ થઈ નહોતી.
રશિયન ડેલીગેશનના વડા, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સલાહકાર વ્લાદિમીર મેડિન્સ્કીએ પત્રકારોને જણાવ્યું હતું કે જિનેવામાં બે દિવસની વાટાઘાટો "મુશ્કેલ હતી, પરંતુ બિઝનેસ જેવી હતી. તેમણે કહ્યું કે વાટાઘાટોનો વધુ એક રાઉન્ડ બહુ જલદી થશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ વાતચીતને "મુશ્કેલ" ગણાવી અને રશિયા પર "વાતચીતને મુશ્કેલ" બનાવવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ગયા વર્ષે યુક્રેનમાં શાંતિ માટે વોશિંગ્ટનના પ્રયાસોથી "ખૂબ પ્રગતિ" થઈ છે પરંતુ તેમણે આ અંગે વધુ જાણકારી આપી નહોતી.
બંને સેનાઓ લગભગ 1,250 કિલોમીટર લાંબી ફ્રન્ટ લાઇન પર યુદ્ધમાં અટવાયેલી રહી છે જ્યારે રશિયા દરરોજ યુક્રેનના નાગરિક વિસ્તારો પર બોમ્બમારો કરે છે. અધિકારીઓએ કહ્યું હતું કે દક્ષિણ યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા શહેરમાં રશિયન ડ્રોનથી એક મહિલાનું મોત થયું અને 6 વર્ષની છોકરી અને 18 મહિનાના બાળક ઘાયલ થયા હતા.
ક્રેલમિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે પરિણામ વિશે વાત કરવી "ખૂબ વહેલું" છે. પુતિનને વાટાઘાટોની પ્રગતિ વિશે અહેવાલો મળી રહ્યા છે. યુક્રેનિયન પ્રતિનિધિમંડળના વડા રુસ્ટેમ ઉમરોવે જણાવ્યું હતું કે અધિકારીઓ તેમના રાજકીય અને લશ્કરી મતભેદોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઝેલેન્સકીએ કહ્યું કે પ્રતિનિધિમંડળો યુદ્ધ કેદીઓની અદલાબદલી અને નાગરિક કેદીઓની મુક્તિ અંગે પણ ચર્ચા કરવાના હતા. તેમણે ખુલાસો કર્યો કે જિનેવામાં યુક્રેનિયન અને અમેરિકન રાજદૂતોએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્વિઝરલેન્ડના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રક્રિયામાં યુરોપની ભાગીદારી "અનિવાર્ય" છે.
ઝેલેન્સકીએ પુતિન સાથે યુદ્ધવિરામ અને મુલાકાતની ઓફર કરી છે. પરંતુ મોસ્કો યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધતા પહેલા એક વ્યાપક કરાર ઇચ્છે છે. નોંધનીય છે કે પુતિન ઇચ્છે છે કે કિવ એ ચાર પ્રદેશોમાંથી પોતાનું સૈન્ય પરત ખેંચે જે મોસ્કોએ કબજે કર્યા છે. પરંતુ ઝેલેન્સકીએ કહ્યુ હતું કે યુક્રેન રશિયાને જમીન સોંપશે નહીં.