Sat Aug 29 2026

Logo

આકાશમાંથી વરસશે કાળ! ‘રુદ્રમ-II’ મિસાઈલનું સુપર સક્સેસફુલ ટેસ્ટિંગ, પળવારમાં દુશ્મનના પરખચ્ચા ઉડાવશે

2026-06-02 22:06:52
Author: Devayat Khatana
આકાશમાંથી વરસશે કાળ! ‘રુદ્રમ-II’ મિસાઈલનું સુપર સક્સેસફુલ ટેસ્ટિંગ, પળવારમાં દુશ્મનના પરખચ્ચા ઉડાવશે

નવી દિલ્હી: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) અને ભારતીય વાયુસેનાએ મંગળવારે એરબોર્ન પ્લેટફોર્મ પરથી સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ ‘રુદ્રમ-II’ (Rudram-II) મિસાઈલનું  સફળ ઉડાન પરીક્ષણ કર્યું છે. હવા-થી-જમીન પર પ્રહાર કરનારી આ અત્યાધુનિક મિસાઈલનું પરીક્ષણ કોઈ સામાન્ય સંજોગોમાં નહીં, પરંતુ અત્યંત પડકારજનક અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું હતું. મિસાઈલની તમામ સબ-સિસ્ટમ્સની ક્ષમતા ચકાસવા માટે એક જટિલ ટ્રેજેક્ટરી નક્કી કરવામાં આવી હતી, જેમાં આ ભારતીય બ્રહ્માસ્ત્ર સો ટકા ખરું ઉતર્યું છે.

ચાંદીપુર સ્થિત ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતેથી પરીક્ષણ કરાયા બાદ  આ મિસાઈલે આકાશમાં પવનની ગતિને ચીરીને પૂર્વ-નિર્ધારિત લક્ષ્ય પર અચૂક નિશાન સાધ્યું હતું. ત્યાં સ્થાપિત કરાયેલા અત્યાધુનિક ટ્રેકિંગ અને રેન્જ ઉપકરણોના ડેટા દર્શાવે છે કે આ પરીક્ષણના તમામ હેતુઓ સંપૂર્ણપણે સફળ રહ્યા છે. રુદ્રમ-II એક એવી સોલિડ-પ્રોપેલન્ટ એર-લોન્ચ્ડ મિસાઈલ સિસ્ટમ છે, જે દુશ્મનના વિવિધ પ્રકારના ટાર્ગેટ્સ અને સંરક્ષણ કવચને પળવારમાં નેસ્તનાબૂદ કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલમાં DRDOની પ્રયોગશાળાઓ દ્વારા વિકસાવવામાં આવેલી દેશી અને હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મહાન સિદ્ધિ પાછળ ભારતના વૈજ્ઞાનિકોની રાત-દિવસની સખત મહેનત છુપાયેલી છે. રુદ્રમ-II મિસાઈલને હૈદરાબાદ સ્થિત DRDOની નોડલ લેબોરેટરી ‘રિસર્ચ સેન્ટર ઈમારત’ (RCI) દ્વારા સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDL), હાઈ એનર્જી મટીરીયલ્સ રિસર્ચ લેબોરેટરી (HEMRL), આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સહિત અનેક સંરક્ષણ પબ્લિક સેક્ટર અને ખાનગી ઉદ્યોગોએ ખભેથી ખભો મિલાવીને મહત્વનું યોગદાન આપ્યું છે.

દેશની આ ભવ્ય સફળતા પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DRDO, ભારતીય વાયુસેના અને સહયોગી ઉદ્યોગોને દિલથી અભિનંદન પાઠવ્યા છે. તેમણે ગર્વભેર જણાવ્યું કે, આ સફળ પરીક્ષણ ભારતીય સંરક્ષણ ટેકનોલોજીની પરિપક્વતા અને ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે, જે દેશને આધુનિક શસ્ત્ર પ્રણાલીમાં ‘આત્મનિર્ભર’ બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે. આ સાથે સંરક્ષણ સંશોધન વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષે પણ આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વૈજ્ઞાનિક, તકનીકી અને ઓપરેશનલ ટીમોની પીઠ થાબડીને પ્રોત્સાહિત કર્યા છે.