Mon Sep 07 2026

Logo

દીકરાને સરકારી નોકરી અપાવવાની લાલચમાં આરટીઓ એજન્ટે લાખો રૂપિયા ગુમાવ્યા

2026-07-19 17:39:33
Author: Yogesh C. Patel
દીકરાને સરકારી નોકરી અપાવવાની લાલચમાં આરટીઓ એજન્ટે લાખો રૂપિયા ગુમાવ્યા

થાણે: દીકરાને સરકારી નોકરી અપાવવાની લાલચમાં 60 વર્ષના આરટીઓ એજન્ટે 11 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસે આરટીઓ એજન્ટની ફરિયાદને આધારે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઉલ્હાસનગરમાં રહેતા ફરિયાદીનો આરોપીએ સંપર્ક સાધ્યો હતો. દીકરાને ઈન્કમ ટૅક્સ (આઈટી) ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાની ખાતરી આરોપીએ આપી હતી. આ માટે આરોપીએ 11 લાખ રૂપિયાની માગણી કરી હતી.

જોકે રૂપિયા લીધા પછી પણ આરોપીએ ફરિયાદીના દીકરાને નોકરી અપાવી નહોતી. આ બાબતે પૂછપરછ કરતાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. બાદમાં ફરિયાદીના દીકરાને આ નોકરીને બદલે નાશિકમાં ડિરેક્ટરેટ ઑફ હેલ્થ સર્વિસીસમાં કામ અપાવવાની ખાતરી આરોપીએ આપી હતી.

વિશ્ર્વાસ સંપાદન કરવા માટે આરોપીએ ફરિયાદીને હેલ્થ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી મેળવનારાઓનું બોગસ લિસ્ટ દેખાડ્યું હતું, જેમાં ફરિયાદીના દીકરાનું પણ નામ હતું.

જોકે લિસ્ટ નીકળ્યા છતાં નોકરી ન મળતાં ફરિયાદીએ ફરી આરોપીને આ અંગે પૂછ્યું હતું. ઉડાઉ જવાબ આપનારા આરોપીએ નોકરી તો ન અપાવી, પણ ફરિયાદીને તેમનાં નાણાં પણ પાછાં આપ્યાં નહોતાં. આ પ્રકરણે પોલીસે બે આરોપી વિરુદ્ધ 16 જુલાઈએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(પીટીઆઈ)