Thu Apr 23 2026

Logo

કૅપ્ટન રિયાન પરાગે વૈભવ સૂર્યવંશીને બહુમૂલ્ય સલાહ આપી છે કે...

2026-04-08 20:07:43
Author: Ajay Motiwala
Article Image

IPL 2026


ગુવાહાટીઃ રાજસ્થાન રૉયલ્સે આ વખતની સીઝનમાં પહેલી ત્રણેય મૅચ જીતી છે અને એમાં મહત્ત્વનું યોગદાન આપનાર લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી હજી માંડ 15 વર્ષનો છે એટલે તેને પરિવારજનો, મિત્રો તેમ જ ક્રિકેટ-નિષ્ણાતોએ અનેક પ્રકારની સલાહ આપી હશે અને એમાંની એક સલાહ રાજસ્થાનના કૅપ્ટન રિયાન પરાગ (Riyan Parag)ની પણ છે. રિયાને વૈભવ (Vaibhav)ને થોડા દિવસ પહેલાં ઍડવાઇઝ આપી હતી કે `તારે સોશ્યલ મીડિયા (Social Media)થી દૂર રહેવું જોઈએ.'

2008ની સૌપ્રથમ આઇપીએલમાં ટાઇટલ જીત્યા પછી રાજસ્થાનના હાથમાં ક્યારેય ટ્રોફી નથી આવી. અગાઉ કૅપ્ટનપદે રહી ચૂકેલો સંજુ સૅમસન અને હેડ-કોચ રાહુલ દ્રવિડ હવે આ ટીમ સાથે નથી. ટીમને ટ્રોફી અપાવવાની મોટી જવાબદારી આસામના યુવાન સુકાની રિયાન પરાગના અને હેડ-કોચ કુમાર સંગકારાના હાથમાં છે. જોકે રવીન્દ્ર જાડેજા જેવો પીઢ ઑલરાઉન્ડર પણ હવે ચેન્નઈમાંથી આ ટીમમાં આવી ગયો છે.

આઇપીએલ-2026નો સૌથી યુવાન સુકાની 24 વર્ષીય રિયાન પરાગ ઇચ્છે છે કે તે સોશ્યલ મીડિયાથી દૂર રહે. વૈભવને રિયાનની એવી સલાહ પણ છે કે તેણે બહુ પત્રકાર પરિષદમાં પણ હાજરી ન આપવી જોઈએ. ટૂંકમાં, રિયાન ઇચ્છે છે કે વૈભવ બાહ્ય દુનિયાથી દૂર રહે અને પોતાની ગેમ પર જ બધુ ધ્યાન કેન્દ્રીત કરે.

રિયાને તાજેતરમાં (મંગળવારની મૅચ પહેલાં) એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે `વૈભવ ખૂબ સારું રમી રહ્યો છે અને તે દેશનું નામ રોશન કરી રહ્યો છે. તેણે નૅચરલ ગેમ જ રમવી જોઈએ. તેને જો પ્રથમ બૉલમાં ફટકો મારવા જેવો લાગે તો મારતા અચકાવું ન જોઈએ. છેલ્લા એક વર્ષમાં તે જે રીતે રમી રહ્યો છે એવું મને નથી લાગતું કે બીજો કોઈ ટીનેજર આવું રમ્યો હોય. મને ખાતરી છે કે તે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે બહુ સારા તાલમેલથી રમશે.'