Mon May 25 2026

Logo

ભારતીય કોમિક્સનો ઉદય અને અસ્ત, સ્માર્ટફોને કઈ રીતે છીનવી લીધું 'બાળપણ'?

2026-05-25 15:50:25
Author: Vimal Prajapati
Article Image

ચાચા ચૌધરીથી લઈને નાગરાજ સુધી: 80 અને 90ના દાયકાનો એ સુવર્ણ યુગ, જે ઇન્ટરનેટ અને ડિજિટલ ક્રાંતિમાં ખોવાયો

આજે જ્યારે બાળકોના હાથમાં માર્વેલના 'એવેન્જર્સ' કે ડીસીના 'સુપરમેન'ના વીડિયો ગેમ્સ અને રમકડાં જોવા મળે છે, જે અત્યારના બાળકોની પહેલી પસંદ પણ બની ગયાં છે. પરંતુ 80 અને 90ના દાયકાની પેઢીની વાત કરવામાં આવે તો, પોતાના એ દેશી સુપરહીરોઝને યાદ કરીને ભાવુક થઈ જાય છે.

તે વખતે ‘ચાચા ચૌધરીનું મગજ કમ્પ્યુટર કરતાં પણ ઝડપથી ચાલતું હતું’ અને ‘જ્યારે જ્યુપિટર ગ્રહ પરથી આવેલા સાબુને ગુસ્સો આવે છે, ત્યારે પૃથ્વી પર ક્યાંક જ્વાળામુખી ફાટે છે’ આ બધું બાળકોને વાસ્તવિક લાગતું હતું. આ કોમિક્સ પર બાળકો કલ્પના પણ કરી શકતા હતા. ‘ઉનાળાની લાંબી રજાઓ, કુલરની ઠંડી હવા અને હાથમાં કોમિક્સના પન્ના’ બાળકો માટે સર્વસ્વ કહેવાતું. તે જમાનામાં મિત્રો વચ્ચે સૌથી મોટી અમીરાત એ વાતથી નક્કી થતી હતી કે કોની પાસે કોમિક્સનું કેટલું મોટું કલેક્શન હતું અને જે જમાનાની વાત કરીએ એ પહેલા કાળચક્રને થોડા પાછળ લઈ જઈએ...

સંસ્કારોનો પહેલો પાઠ એટલે ‘ચંદામામા’ અને ‘ચંપક’

કોમિક્સ ક્રાંતિની સાચી શરૂઆત બાળ પત્રિકાઓથી થઈ હતી, જેણે બાળકોને કલ્પનાશક્તિ અને સંસ્કારોનો ડબલ ડોઝ આપ્યો હતો. ચંદામામાની વાત કરવામાં આવે તો ઈસ 1947માં તેલુગુ અને તમિલથી શરૂ થયેલી આ પત્રિકાના સ્થાપક પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક બી. નાગી રેડ્ડી અને ચક્રપાણિ હતા. બાદમાં તે ગુજરાતી અને હિન્દી સહિત 13 ભાષામાં છપાવા લાગી હતી. રાજા વિક્રમ અને વૈતાલની વાર્તાઓ આ મેગેઝિનની આગવી ઓળખ હતી.

ચંપકની વાત કરવામાં આવે તો, ઈસ 1968માં દિલ્હી પ્રેસ દ્વારા શરૂ કરાયેલી 'ચંપક' પાક્ષિક મેગેઝિને પ્રાણીઓના પાત્રો જેવા કે ચીકુ વાંદરો, શેર સિંહ અને ડેમ્પી હાથી દ્વારા 'ચંપક વન' ઊભું કરેલું. તે 8 ભાષાઓમાં પ્રકાશિત થતી અને ભારતમાં સૌથી વધુ વંચાતી બાળ પત્રિકા બની હતી. તે પછી 90ના દાયકામાં ભારતીય કોમિક્સનો સુવર્ણ યુગ શરૂ થયો, જેના બે મુખ્ય સ્તંભ હતા ડાયમંડ કોમિક્સ અને રાજ કોમિક્સ! આ કોમિક્સે જોરદાર ચાહના મેળવી હતી. 

નેવુંના દાયકાના મધ્ય સુધીમાં ભારતીય કોમિક્સ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 100 કરોડને પાર પહોંચી ગયું હતું. રાજ કોમિક્સના સુપરહીરો (નાગરાજ કે સુપર કમાન્ડો ધ્રુવ)ના નવા અંકની પહેલી જ ખેપમાં 5 લાખથી વધુ નકલો વેચાઈ જતી હતી. મનોજ કોમિક્સના ‘તૌસી’ અને તુલસી કોમિક્સના ‘અંગારા’ જેવા પાત્રોએ પણ આ બિઝનેસને ચરમસીમાએ પહોંચાડ્યો હતો.

કઈ રીતે વિખેરાઈ ગયું સામ્રાજ્ય?

વર્ષ 2000 પછી સમય બદલાયો અને પન્નાઓની ચમક ધૂંધળી થવા લાગી. આ પતન પાછળ કેટલાક મુખ્ય કયાં કારણો જવાબદાર હતા? દેશભરના રેલવે સ્ટેશનો પર આવેલા A.H. Wheelerના 300થી વધુ બુક સ્ટોલ્સ, જે કોમિક્સના વેચાણનો 40% હિસ્સો હતા, તેમણે કોમિક્સ રાખવાનું બંધ કરી દીધું. આ સાથે જ ગલી-મોહલ્લામાં એક કે 2 રૂપિયાના ભાડા પર કોમિક્સ આપતી 'સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઝ'નું નેટવર્ક પણ તૂટી ગયું હતું. 

એટલું જ નહીં પરંતુ 2005 પછી દેશમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોનનું આગમન થયું તેણે બાળકોના હાથમાંથી પુસ્તકો છીનવી લીધા હતા, જેની અસર આજે પણ વર્તાઈ રહી છે. ઈન્ટરનેટ આવતા બાળકોને ક્ષણણાં જ રેડિમેડ વિઝ્યુઅલ્સ સાથે કોમિક પાત્રો જોવાનું પસંદ આવવા લાગ્યું અને જૂદો દૌર ભૂંસાઈ ગયો. 

ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જાપાનીઝ ‘મેંગા’ અને પશ્ચિમી માર્વેલ-ડીસીના ડિજિટલ અવતારોએ બજાર પર કબજો જમાવી લીધો છે. તે પછી માલિકી હકના કાનૂની વિવાદોને કારણે વર્ષ 2013 સુધીમાં ‘ચંદામામા’ની જાદુઈ દુનિયા પર કાયમ માટે તાળું લાગી ગયું હતું. વર્ષ 2020માં ગુપ્તા બંધુઓ વચ્ચેના પારિવારિક ભાગલાને કારણે રાજ કોમિક્સ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું, જેનાથી બ્રાન્ડની શાખને મોટું નુકસાન થયું હતું. એક પછી એક કોમિક હવે બજારમાંથી ગાયબ થવા લાગ્યા અને બાળકોના હાથમાં ફોન અને ટીવી આવી ગયાં.

નવી પેઢીના કોમિક્સનો નવો અંદાજ

શું આપણા બાળપણના હીરો સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે? ના, તેઓ મર્યા નથી, બસ સમય સાથે તેમણે પોતાનું સ્વરૂપ બદલ્યું છે. ‘ચંપક’એ પોતાને મોબાઇલ એપ્સ અને ઇ-મેગેઝિનમાં ઢાળી દીધું છે. 
ડાયમંડ કોમિક્સે ‘ચાચા ચૌધરી અને સાબુ’ની જોડીને OTT પ્લેટફોર્મ પર એનિમેટેડ સીરીઝ તરીકે લાવી દીધી છે. ગ્રાફિક નોવેલ્સ અને કલેક્ટર્સ એડિશનની વાત કરવામાં આવે તો, રાજ કોમિક્સ હવે નાગરાજ અને ધ્રુવના શાનદાર ‘ગ્રાફિક નોવેલ્સ’ અને ‘કલેક્ટર્સ એડિશન’ બજારમાં લાવી રહ્યું છે. કારણ કે હવે બાળકોને કાર્ટુન વધારે પસંદ આવવા લાગ્યાં છે. 

કોમિક્સ 10 કે 20 રૂપિયામાં નથી મળતા

મહત્વની વાત એ છે કે, હવે આ કોમિક્સ 10 કે 20 રૂપિયાની નથી રહી, તેની કિંમતમાં અનેકઘણો વધારો થઈ ગયો છે. તેથી જ આજે તેને કોઈ બાળક પોતાની પોકેટ મનીથી નથી ખરીદતું, પરંતુ એ કામકાજી પુખ્ત વયના લોકો (Adults) ખરીદે છે જેઓ ક્યારેક 90ના દાયકામાં બાળક હતા. 

તેઓ પોતાની દોડધામ ભરેલી જિંદગીમાંથી થોડી ક્ષણો ચોરીને પોતાના સોનેરી બાળપણને ફરી જીવવા માંગે છે. ‘ચાચા ચૌધરી’ અને ‘નાગરાજ’ આજે માત્ર યાદોમાં રહી ગયાં છે અને હવે દરેકમાં નવી પેઢીના કાર્ટુન આવી ગયાં છે, પરંતુ 90ના દશકના લોકોને આજે પણ આ કોમિક્સ પ્રત્યે એટલો જ લગાવ છે.