Sun Aug 30 2026

Logo

કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટો ઝટકો: ગુવાહાટી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

2026-04-24 12:11:00
Author: Savan Zalariya
કોંગ્રેસ નેતા પવન ખેડાને મોટો ઝટકો: ગુવાહાટી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

ગુવાહાટી: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિંકી ભૂયાન સરમા પર આરોપો લગાવીને કોંગ્રેસ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા મુસીબતમાં ફસાયા છે. તેમની સામે દાખાલ કરવામાં આવેલા ફોજદારી કેસમાં ખેડાને ગુવાહાટી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે આગોતરા જામીન માટેની તેમની વિનંતી ફગાવી દીધી છે. 

પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોપ લગાવ્યા હતાં કે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાનાં પત્ની રિંકી ભૂયાન સરમા પાસે ભારત ઉપરાંત અન્ય કેટલાક દેશોના પાસપોર્ટ છે અને વિદેશમાં તેમની અઘોષિત સંપત્તિ છે.

ખેડાએ આરોપ લગાવ્યો હતો કે રિંકી ભૂયાન સરમા પાસે યુએઈ, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડાના ત્રણ પાસપોર્ટ, દુબઈમાં ટીમની બે મિલકતો છે અને શેલ કંપનીઓ પણ છે.

રિંકી ભૂયાન સરમા ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ખેડા અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી, બદનક્ષી અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાથે છેડછાડ અને ઇરાદાપૂર્વક અપમાન સંબંધિત કલમો હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો. 

7 એપ્રિલના રોજ આસામ પોલીસની ટીમ દિલ્હીમાં ખેડાના ઘરે પહોંચ્યા, પરંતુ તેઓ ત્યાં નહોતા. 10 એપ્રિલે ખેડાએ તેલંગાણા હાઈકોર્ટમાં ટ્રાન્ઝિટ જામીન માટે અરજી કરી, તેલંગાણા હાઈકોર્ટે જામીન મંજુર કર્યા. 

પોલીસે તેલંગાણા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 15 એપ્રિલના રોજ, સુપ્રીમ કોર્ટે વચગાળાના ટ્રાન્ઝિટ જામીન રદ કર્યા. સુપ્રીમ કોર્ટે ખેડાએ આસામમાં અધિકારક્ષેત્ર ધરાવતી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવા કહ્યું હતું, ત્યાર બાદ ખેડાએ ગુવાહાટી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

મંગળવારે ગુવાહાટી હાઈકોર્ટે પક્ષોની દલીલો સાંભળી હતી, ત્યાર બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.