Mon Oct 05 2026

Logo

પાટીદાર આરસીબીનો ઐતિહાસિક ચૅમ્પિયન કૅપ્ટન, પણ ખરેખર તો સ્મૃતિ મંધાનાએ...

2026-06-02 17:08:48
Author: Ajay Motiwala
પાટીદાર આરસીબીનો ઐતિહાસિક ચૅમ્પિયન કૅપ્ટન, પણ ખરેખર તો સ્મૃતિ મંધાનાએ...

IMAGE BY BCCI


બેંગ્લૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)એ રવિવારે મેન્સ આઇપીએલમાં બૅક-ટુ-બૅક ટાઇટલ (2025 અને 2026) જીતીને આ ફ્રૅન્ચાઇઝી માટે નવો ઇતિહાસ સરજ્યો, પરંતુ આ ફ્રૅન્ચાઇઝીને ચૅમ્પિયન બનાવવાની શરૂઆત સ્મૃતિ મંધાના (Mandhana)એ કરી હતી.

રવિવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે આરસીબીએ વિરાટ કોહલી (75 અણનમ, 42 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર)ની મૅચ-વિનિંગ ઇનિંગ્સની મદદથી વન-સાઇડેડ જેવી આ મૅચમાં પાંચ વિકેટે વિજય મેળવી લીધો હતો. વિરાટને મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર મળ્યો હતો, જ્યારે રાજસ્થાન રૉયલ્સનો 15 વર્ષીં વૈભવ સૂર્યવંશી મૅન ઑફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.

આરસીબીની મેન્સ ટૂર્નામેન્ટ માટે રજત પાટીદાર (Patidar) સૌથી સફળ સુકાની છે, પરંતુ આ ફ્રૅન્ચાઇઝીના ઇતિહાસમાં સ્મૃતિ મંધાનાનું સ્થાન તેનાથી પણ વિશેષ છે. કારણ એ છે કે આ ફ્રૅન્ચાઇઝીને પ્રથમ ટાઇટલ 2024માં મળ્યું હતું. મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની 2024માં સ્મૃતિ મંધાનાના નેતૃત્વમાં આરસીબી-વિમેન્સ ટીમે ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. એ રીતે, આરસીબીના ઇતિહાસમાં પ્રથમ ટાઇટલ એ હતું અને ત્યાર બાદ 2025 તથા 2026માં રજત પાટીદારના સુકાનમાં આરસીબીની મેન્સ ટીમે ટાઇટલ મેળવ્યું.

આરસીબી ઘણા વર્ષોથી (આઇપીએલની 2008માં શરૂઆત થઈ ત્યારથી) ટાઇટલની તલાશમાં હતું અને 2024માં મંધાનાની કૅપ્ટન્સીમાં (ડબ્લ્યૂપીએલની ટ્રોફીના રૂપમાં) એ ઇચ્છા પૂરી થઈ હતી. બીજી રીતે કહીએ તો આરસીબીની મેન્સ ટીમે આરસીબીની મહિલા ટીમ પરથી કંઈક પ્રેરણા લીધી હતી એમ કહી શકાય.

17મી માર્ચ, 2024ના દિવસે દિલ્હીમાં આરસીબી અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે ફાઇનલ રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-લેજન્ડ મેગ લેનિંગ દિલ્હીની કૅપ્ટન હતી. ત્યારે સ્મૃતિ મંધાનાની આરસીબી ટીમમાં સૉફી ડિવાઇન, એલીસ પેરી, મેગન શટ જેવી વિદેશની ટોચની ખેલાડીઓ તેમ જ ભારતની રિચા ઘોષ, શ્રેયંકા પાટીલ, આશા શોભના અને રેણુકા સિંહ વગેરે ખેલાડીઓ સામેલ હતી.