Sun May 17 2026

Logo
IPL 2026:

બેંગ્લૂરુ પ્લે-ઑૅફમાં પહોંચનાર પ્રથમ ટીમ, પંજાબનો સતત છઠ્ઠો પરાજય

2026-05-17 21:12:33
Author: Ajay Motiwala
Article Image

ધરમશાલાઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ની ટીમ રવિવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે જીતીને સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. વેન્કટેશ ઐયર (73 અણનમ, 40 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) અને પેસ બોલર રસિખ સલામ (4-0-36-3) આ જીતના બે સૌથી મોટા સ્ટાર ખેલાડી હતા. બીજી બાજુ, પંજાબ લાગલગાટ છઠ્ઠી મૅચ હારી જતાં લાસ્ટ-ફોરમાં સ્થાન મેળવવાનું એના માટે વધુ કઠિન થઈ ગયું છે, કારણકે એની હવે એક જ લીગ મૅચ બાકી રહી છે. પંજાબ આ મૅચ અગાઉના પાંચ મુકાબલામાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગુજરાત, રાજસ્થાન સામે હાર્યું હતું.

સ્ટોઇનિસ-શશાંકની ભાગીદારી તૂટતાં ટર્ન આવ્યો

બેંગ્લૂરુએ રવિવારે પંજાબને 23 રનથી હરાવ્યું હતી. બેંગ્લૂરુએ ચાર વિકેટે 222 રન કર્યા ત્યાર બાદ પંજાબે ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને લીધે ખરાબ શરૂઆત કરી હતી અને બધો બોજ મિડલ-ઑર્ડર તથા લોઅર-ઑર્ડરના બૅટ્સમેનો પર આવી ગયો હતો. માર્કસ સ્ટોઇનિસ (37 રન, પચીસ બૉલ, પાંચ ફોર) તથા શશાંક સિંહ (56 રન, 27 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની જોડી ક્રીઝમાં હતી ત્યાં સુધી પંજાબના વિજયની સંભાવના હતી. જોકે સ્ટોઇનિસની તેના જ દેશના પેસ બોલર જૉશ હૅઝલવૂડના બૉલમાં એલબીડબ્લ્યૂમાં વિકેટ પડ્યા પછી પંજાબના પરાજયની શક્યતા વધતી ગઈ હતી. એ વિકેટ સાથે બેંગ્લૂરુના બોલર્સે આક્રમણની તીવ્રતા વધારી દીધી હતી અને તેઓ પંજાબને વિજયથી વંચિત રખાવીને રહ્યા હતા. યજમાન પંજાબની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 199 રન બનાવી શકી હતી. જમ્મુ-કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે અંતિમ ઓવરની બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ તેમ જ ભુવનેશ્વરે બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ સુયશ શર્મા, જૉશ હૅઝલવૂડ અને રોમારિયો શેફર્ડને મળી હતી. કૃણાલ પંડ્યા 27 રનમાં વિકેટ નહોતો લઈ શક્યો.

ભુવનેશ્વર શરૂઆતમાં જ ત્રાટક્યો

બેંગ્લૂરુએ આપેલા 223 રનના તોતિંગ લક્ષ્યાંકના બોજ નીચે પંજાબ શરૂઆતથી જ દબાઈ ગયું હતું અને એણે માત્ર 19 રનમાં પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેની છ ઓવરને અંતે એનો સ્કોર 3/49 હતો. પેસ બોલર ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ત્રાટક્યો હતો અને તેણે ઇનિંગ્સના ત્રીજા જ બૉલમાં પ્રિયાંશ આર્ય (0)ને રોમારિયો શેફર્ડના હાથમાં કૅચઆઉટ કરાવીને પંજાબની ગાડીમાં શરૂઆતમાં જ પંક્ચર પાડ્યું હતું. ત્યાર પછી ભુવીએ પોતાની બીજી ઓવરમાં પ્રભસિમરન સિંહ (બે રન)ને દેવદત્ત પડિક્કલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો અને ત્યાર બાદ બીજો પેસ બોલર રસિખ સલામ પણ ત્રાટક્યો હતો. તેણે બેંગ્લૂરુને કૅપ્ટન શ્રેયસ ઐયર (એક રન)ની વિકેટ અપાવી હતી. ટૉપ-ઑર્ડરની સરિયામ નિષ્ફળતા બાદ કૂપર કૉનોલી (37 રન), સૂર્યાંશ શેડગે (35 રન) અને અઝમતુલ્લા ઓમરઝાઈ (14 રન)ના સાધારણ પર્ફોર્મન્સ પંજાબ માટે અપૂરતા રહ્યા હતા.

વેન્કટેશ મૅન ઑફ ધ મૅચ

એ પહેલાં, બેંગ્લૂરુને 4/222નો મોટો સ્કોર અપાવવામાં વિરાટ કોહલી (58 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) અને દેવદત્ત પડિક્કલ (45 રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની જોડીની 76 રનની ભાગીદારીનું મોટું યોગદાન હતું. તેમની આ પાર્ટનરશિપ માત્ર 42 બૉલમાં બની હતી. ત્યાર પછી કોહલી અને વેન્કટેશ ઐયર (73 અણનમ) વચ્ચે 35 બૉલમાં 60 રનની અને છેલ્લે વેન્કટેશ તથા ટિમ ડેવિડ (28 રન, 12 બૉલ, બે સિક્સર, બે ફોર) વચ્ચે 30 બૉલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. આ ત્રણ ભાગીદારીએ બેંગ્લૂરુને રવિવારે સત્તાવાર રીતે પ્લે-ઑફમાં પહોંચાડ્યું હતું.