મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકોના ગ્રાહકો માટે એક મોટો બદલાવ કરવામાં જઈ રહી છે. જેમાં મોબાઈલ નંબરની જેમ જ ગ્રાહક માટે બેંક બદલવી સરળ બની જશે. આ માટે આરબીઆઈ તેના પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ એક આધુનિક માળખા પર કામ કરી રહી છે. જે માટે આરબીઆઈ એક કેન્દ્રિય સિસ્ટમ વિકસાવી રહી છે.
બેંકિંગ સેવાઓ પસંદ કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક આધુનિક સિસ્ટમ પર કામ કરી રહી છે. જેમાં ગ્રાહક પોતાનો મૂળ એકાઉન્ટ નંબર જાળવી રાખીને બેંકો બદલી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને બેંકિંગ સેવાઓ પસંદ કરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો અને બેંકો વચ્ચે વધુ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો છે. તેમજ જોવા જઇએ તો હાલમાં જો કોઈ ગ્રાહક બેંકો બદલવાનું નક્કી કરે છે. તો એક નવો એકાઉન્ટ નંબર આપવામાં આવે છે.
જેના લીધે ગ્રાહકે પગાર ક્રેડિટ, હોમ લોન ઇએમઆઇ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણો (SIP),વીમા પ્રિમીયમ, ગેસ સબસિડી અને યુટિલિટી બિલ ચુકવણી (વીજળી અને પાણી) માટે અનેક પ્લેટફોર્મ પર તેમની નવી બેંકિંગ વિગતો અપડેટ કરવી પડે છે. જયારે આરબીઆઇની આ નવી યોજનાના પગલે
ગ્રાહકનો હાલનો બેંક એકાઉન્ટ નંબર જળવાય રહેશે.
બેંક હાલના એકાઉન્ટ નંબરને સિસ્ટમ સાથે લિંક કરશે
તેમજ જ્યારે ગ્રાહક બેંક એકાઉન્ટને પોર્ટ કરે છે ત્યારે નવી બેંક ગ્રાહકના હાલના એકાઉન્ટ નંબરને તેની પોતાની સિસ્ટમ સાથે લિંક કરશે. આને સરળ બનાવવા માટે રિઝર્વ બેંક એક કેન્દ્રિય પ્લેટફોર્મ વિકસાવી રહી છે. આ પ્લેટફોર્મ તમારા બધા ઓટો-પેમેન્ટ મેન્ડેટ, રોકાણ યોજનાઓ અને બિલ ચુકવણી વિગતોને સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે. તમે બેંકો બદલો છો તે ક્ષણે આ બધી સૂચનાઓ આપમેળે તમારા નવા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
બેંકિંગ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવશે
આ સિસ્ટમના અમલીકરણથી બેંકો દ્વારા મનસ્વી પ્રથાઓનો અંત આવશે. જો કોઈ બેંક ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે અથવા બિનજરૂરી શુલ્ક વસૂલ કરે છે, તો ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના વધુ સારી બેંકમાં સ્વિચ કરી શકશે. આ દેશના બેંકિંગ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવશે અને ડિજિટલ વ્યવહારો માટે ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.