Wed Jun 10 2026

Logo

આરબીઆઈએ એનઓપી મર્યાદા લાદી: ડૉલર સામે રૂપિયો 113 પૈસા ઉછળીને અંતે 15 પૈસા સુધર્યો

2026-03-30 21:01:31
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકા-ઈઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ વચ્ચે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળા સાથે ફુગાવો વધવાની શક્યતા, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન આગલા બંધથી 113 પૈસાનો સુધારો અને 37 પૈસાનો ઘટાડો જોવા મળતાં કુલ 150 પૈસાની વધઘટને અંતે સાધારણ 15 પૈસાના સુધારા સાથે બંધ રહ્યો હતો. 

નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે રિઝર્વ બૅન્કે એક સર્ક્યુલર બહાર પાડીને બૅન્કો માટેની નેટ ઓપન પોઝિશનની એક દિવસીય મર્યાદા આગામી 10મી એપ્રિલ સુધી 10 કરોડ ડૉલર રાખવાનો આદેશ આપ્યો હોવાથી આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 94.85ના બંધ સામે મજબૂત અન્ડરટોને 93.62ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં 93.57 અને નીચામાં 95ની સપાટી પાર કરીને 95.22 સુધી ગબડીને અંતે આગલા બંધ સામે 15 પૈસાના સુધારા સાથે 94.70ની સપાટીએ બંધ રહ્યો હતો. 

એકંદરે આજે રિઝર્વ બૅન્કના બૅન્કો માટે નેટ ઓપન પોઝિશન મર્યાદાને પગલે રૂપિયામાં એક તબક્કે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર થાય તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ક્રૂડતેલના વાયદામાં ઉછાળો, બજારોમાં અનિશ્ચિતતાના વલણનાં જોખમો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ભારત સહિતની ઊભરતી બજારોના ચલણો નબળા પડ્યાં હોવાનું સીઆર ફોરેક્સ એડવાઈઝર્સના મેનેજિંગ ડિરેક્ટર અમિત પાબારીએ જણાવ્યું હતું. 

વધુમાં ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું કે ક્રૂડતેલમાં તેજીને કારણે ડૉલરમાં સલામતી માટેની માગને ટેકે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં આરબીઆઈએ 10 અબજ ડૉલરની મર્યાદા મૂકી હોવાથી રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો. દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધ્યા મથાળેથી સાધારણ ઘટાડા સાથે 100.30 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 2.60 ટકા વધીને બેરલદીઠ 114.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1635.67 પૉઈન્ટનો અને 488.20 પૉઈન્ટનો કડાકો બોલાવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4367.30 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.