મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકે ત્રણ જાહેર ક્ષેત્રની બેંકો અને ફિનટેક કંપની વિરુદ્ધ નિયમોના ઉલ્લંધન બદલ કાર્યવાહી કરી છે. જેમાં આરબીઆઇએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને પાઈન લેબ્સ પર નાણાકીય દંડ લાદયો છે. આરબીઆઇએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર ₹95.40 લાખ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર ₹63.60 લાખ, બેંક ઓફ ઈન્ડિયા પર ₹58.50 લાખ અને પાઈન લેબ્સ પર ₹3.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
24 કલાકની સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી
આરબીઆઈએ જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના કિસ્સામાં, ગ્રાહક દ્વારા સૂચના આપવામાં આવ્યાના 10 કાર્યકારી દિવસોમાં અનધિકૃત ઇલેક્ટ્રોનિક વ્યવહારોમાં સામેલ રકમ ચોક્કસ ગ્રાહકોના ખાતામાં પાછી જમા કરવામાં આવી ન હતી. વધુમાં, ગ્રાહકોને અનધિકૃત બેંકિંગ વ્યવહારોની જાણ કરવા માટે 24 કલાકની સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી અને ચોક્કસ કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) ખાતાઓ માટે સિસ્ટમ-આધારિત સંપત્તિ વર્ગીકરણ પ્રક્રિયામાં 'મેન્યુઅલ' હસ્તક્ષેપનો આશરો લેવામાં આવ્યો હતો.
કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્ફળ ગઈ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના કિસ્સામાં, દંડ એટલા માટે લાદવામાં આવ્યો કારણ કે બેંક ચોક્કસ ગ્રાહકોના કેવાયસી રેકોર્ડ નિર્ધારિત સમયમર્યાદામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્ફળ ગઈ. વધુમાં, બેંકે ચોક્કસ ગ્રાહકો માટે BSBDA (બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ) ખાતા ખોલ્યા જેમની પાસે પહેલાથી જ બેંકમાં હાલના BSBDA ખાતા હતા.
વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ લાદવામાં આવ્યો
આરબીઆઇએ જણાવ્યું કે બેંક ઓફ ઈન્ડિયા પર ચોક્કસ પ્રાથમિકતા ક્ષેત્રના લોન ખાતાઓ પર એડ-હોક સર્વિસ ચાર્જ, નિરીક્ષણ ફી અને પ્રોસેસિંગ ફી વસૂલવા બદલ અને ચોક્કસ ટર્મ ડિપોઝિટ રિસિપ્ટ્સ (TDRs)પર તેમની પાકતી મુદતથી તેમની વાસ્તવિક ચુકવણી તારીખ સુધીના સમયગાળા માટે વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ લાદવામાં આવ્યો હતો. જ્યારે પાઈન લેબ્સે સંબંધિત PPI ધારકો માટે (KYC)ચકાસણી પૂર્ણ કર્યા વિના ઘણા ફુલ-KYC પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) જાહેર કર્યા હતા. આ ભૂલને કારણે દંડ લાદવામાં આવ્યો હતો.