Sat Jun 27 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ રવિના ટંડનઃ આ `મસ્ત-મસ્ત ગર્લ'એ પોતાની અભિનય ક્ષમતા પણ મસ્ત સાબિત કરી છે...

2026-06-26 08:31:00
Author: Umesh Trivedi
Article Image

 

ઉમેશ ત્રિવેદી

માતા-પિતા બંનેનાં નામ જોડવાથી બનેલાં નામવાળી અભિનેત્રી રવિના ટંડનનો જન્મ 26 ઑક્ટોબર, 1972ના રોજ મુંબઈમાં થયો છે. ફિલ્મસર્જક રવિ ટંડનનો `રવિ' અને માતા વીનાનો `ના' લઈને રવિનાનું નામકરણ કરવામાં આવ્યું છે. રવિ ટંડન એક જાણીતા ફિલ્મસર્જક છે અને તેમણે 1973થી 1987 સુધી અનેક ફિલ્મોનું દિગ્દર્શન કરી સફળતા મેળવી છે.

માત્ર 19 વર્ષની ઉંમરે રવિનાએ બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. 1991માં આવેલી `પત્થર કે ફુલ' એ રવિનાની પહેલી ફિલ્મ, પણ તે બૉક્સ ઑફિસ પર નિષ્ફળ ગઈ હતી. સલમાન ખાન અભિનિત આ ફિલ્મનાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં, પણ બૉક્સ ઑફિસ પર આ ફિલ્મ ચાલી નહોતી.

1991થી 1994 સુધીનાં ત્રણ વર્ષમાં રવિનાએ 14થી 15 ફિલ્મ કરી હતી, પણ તેને જોઈતી સફળતા મળી નહોતી. એક સમયે અજય દેવગણ, સૈફ અલી ખાન, સની દેઓલ જેવા કલાકારો સાથે કામ કર્યું હોવા છતાં તેની ફિલ્મો સતત ફ્લૉપ જતી હતી. જોકે 1994નું વર્ષ રવિના માટે સારું સાબિત થયું. એક સમયે `કમનસીબ' અને `ફ્લૉપ અભિનેત્રી' તરીકે તેની ગણના થવા લાગી હતી, પણ 1994માં `લાડલા', `અંદાજ અપના અપના' અને `મોહરા' જેવી ફિલ્મોમાં તેને ભરપૂર સફળતા મળી હતી.

અક્ષય કુમાર સાથેની રવિનાની પહેલી ફિલ્મ હતી `મોહરા'. આ ફિલ્મનાં બે ગીત : `ટીપ ટીપ બરસા પાની...' તથા `તૂ ચીજ બડી હૈ મસ્ત-મસ્ત' ખૂબ જ લોકપ્રિય થયાં  એ પછી  રવિનાને `મસ્ત મસ્ત ગર્લ'નું ટાઇટલ મળ્યું. તે સમયે અક્ષય કુમાર સાથેના રોમાન્સની અફવા પણ ખૂબ ચગી હતી. `મોહરા' ફિલ્મે રવિનાની જિંદગી આખી પલટાવી નાખી હતી.

અક્ષય કુમાર અને રવિનાએ `મોહરા' સહિત સાત ફિલ્મ સાથે કરી હતી. તેમાં `ખિલાડિયો કા ખિલાડી', `દાવા', `કિમત', `બારૂદ', `પોલીસ ફોર્સ' અને `આન : મેન ઍટ વર્ક'નો સમાવેશ થાય છે. હવે અક્ષય અને રવિના `મલ્ટી-મલ્ટી સ્ટારર' ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'માં ફરી એક વાર સાથે દેખાવાનાં છે. લગભગ બાવીસ વર્ષ પછી અક્ષય કુમાર અને રવિના ફરી એક ફિલ્મમાં સાથે દેખાવાનાં છે. 2004માં અક્ષય અને રવિના `આન:2 મેન એટ વર્ક'માં સાથે દેખાયાં હતાં અને 2004માં જ રવિના અનિલ થડાનીને પરણી ત્યાર પછી તે અક્ષય સાથે દેખાઈ નહોતી.

અનિલ થડાની ફિલ્મના વિતરક છે અને 2003માં `સ્ટમ્પ્ડ' નામની ફિલ્મના શૂટિગ દરમિયાન રવિના અને અનિલ થડાનીની મુલાકાત થઈ હતી. તે અગાઉ રવિના અને અક્ષય કુમારનું બ્રેકઅપ થઈ ગયું હતું. રવિનાનાં લગ્ન 22 ફેબ્રુઆરી, 2004ના રાજસ્થાનના ઉદયપુરમાં પહેલાં પંજાબી વિધિથી અને પછી સિંધી વિધિથી થયાં હતા.

2005માં રવિનાએ રાશાને જન્મ આપ્યો જે અત્યારે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે આવી રહી છે અને 2008માં તેણે રણબીરવર્ધન નામના પુત્રને જન્મ આપ્યો છે. આ સિવાય તેણે બે પુત્રીને દત્તક લીધી છે. 2005થી 2011 સુધી તેણે એક માતાની ફરજ નિભાવી અને બાળકો પર ધ્યાન આપ્યું હતું. 2011માં અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ `બુઢા હોગા તેરા બાપ'થી કમબૅક કર્યું. પણ હવે તે વર્ષે માંડ એક-કે બે ફિલ્મ કરે છે.

જોકે હવે તેને મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મળતી નથી, પણ ઓટીટી પર સફળ નીવડેલી વેબ સિરીઝ :  `અરન્યક' અને `કર્મા કોલિંગ'માં રવિનાનો અભિનય વખાણાયો હતો. તાજેતરમાં `વેલકમ ટુ ધ જંગલ'ની એક ઇવેન્ટ હતી ત્યારે અક્ષય કુમારે રવિનાનાં ખૂબ જ વખાણ કર્યાં હતાં અને જૂના કિસ્સા યાદ કરીને પોતાની આ સહઅભિનેત્રીના `પ્રોફેશનાલિઝમ' વિશે પણ જણાવ્યું હતું.

રવિના ખૂબ પ્રતિભાશાળી અભિનેત્રી છે, અગાઉ તે હીરોઈન હતી અને હવે એ હીરોઈનની માતા છે એમ જણાવી અક્ષયે સમય કેટલો ઝડપથી બદલાય છે એમ કહ્યું હતું. (જોકે, પોતે હજીય `હીરો' તરીકે જ આવે છે એ વિશે એણે કાંઈ જણાવ્યું નહોતું.! ) 

 રવિના માટે અક્ષયે જે કહ્યું તે ખરું, પણ 1998માં રવિનાએ સિમી ગરેવાલના એક કાર્યક્રમમાં સ્પષ્ટપણે અક્ષય પર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે `અક્ષયે મારો ઉપયોગ કર્યો અને હવે તેને બીજું કોઈ મળી જતાં મને પોતાની જિંદગીમાંથી પડતી મૂકી દીધી છે.'

બોલિવૂડમાં પ્રેમપ્રકરણ ગાજવાં અને `બ્રેકઅપ' થવા એ કાંઈ નવી વાત નથી, પણ રવિના જેટલી સ્પષ્ટ વાત પોતાના `બ્રેકઅપ' પછી કોઈ જ અભિનેત્રીએ કરી નથી.

રવિનાએ 1991થી કારકિર્દી શરૂ કરી ત્યારથી જ તે `ગ્લૅમર ગર્લ' અને `મસ્ત ગર્લ' જેવી ભૂમિકાઓ કરતી રહી હતી, પણ 1999, 2000 અને 2001માં આવેલી ત્રણ ફિલ્મે તેને અભિનેત્રી તરીકે નામના અપાવી હતી. 1999માં ઈ. નિવાસ દિગ્દર્શિત ફિલ્મ `શૂલ'માં રવિના અને મનોજ બાજપેયીની જોડી હતી. આ ફિલ્મમાં રવિનાનું કામ ખૂબ જ વખાણાયું હતું. ત્યાર પછી સન, 2000માં આવી `બુલંદી', તેમાં અનિલ કપૂરનો ડબલ રોલ હતો અને રજનીકાંત તેમ જ રેખા જેવાં બીજાં કલાકારો પણ હતાં. 

એ ફિલ્મમાં પણ રવિનાના અભિનયનાં ખૂબ વખાણ થયાં હતાં. ત્યાર પછી 2001માં આવી `દમન'. કલ્પના લાજમી લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મે રવિના ટંડનને ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે સફળતા તો અપાવી, પણ સાથે જ તેને `નૅશનલ એવોર્ડ' પણ અપાવ્યો હતો. આમ, વર્ષો વિતવાની સાથે રવિના અભિનયમાં ઝળકવા લાગી હતી. રવિનાએ પોતાની કારકિર્દી દરમિયાન જેટલી પણ ફિલ્મો કરી છે, એમાંથી મોટા ભાગની ફિલ્મોમાં બે અભિનેત્રી હતી. તે છતાં તેની ભૂમિકા અને તેના અભિનયનાં વખાણ જ થયાં છે.

આજે (શુક્રવારે) `વેલકમ ટુ ધ જંગલ' રિલીઝ થઈ રહી છે. તેમાં કુલ 26 કલાકાર છે અને દિશા પટણી, જેકલીન ફર્નાન્ડીસ, લારા દત્તા, ઉર્વશી રૌતેલા જેવી ચાર-ચાર અભિનેત્રીઓ છે અને સાથે રવિના છે. આ `મલ્ટિ-સ્ટારર' ફિલ્મમાં તેને ફાળે કેટલી ભૂમિકા આવી છે એ તો રસપ્રદ સાબિત થશે, પણ લોકોની નજર અક્ષય-રવિનાનાં કેટલાં દૃશ્યો સાથે છે એના પર ટકેલી હશે એમ કહી શકાય.

OTTનું હોટસ્પોટઃ 27 જૂનથી ચોથી જુલાઈ શું જોશો?

અત્યારે રમતગમતના પ્રેમીઓને તો જલસા જ છે. એક બાજુ ફૂટબૉલના વર્લ્ડકપની મૅચ, બીજી તરફ વિમ્બલડન અને ત્રીજી બાજુ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે વન-ડે અને ટી-20 સિરીઝ શરૂ થવાની છે. ફૂટબૉલ-ટેનિસ-ક્રિકેટની આવી ત્રિવિધ મજા આ દરમિયાન માણવા મળશે. તો આવો હવે એક નજર ઓટીટી પર રિલીઝ થનારી વેબ સિરીઝ અને ફિલ્મો પર નાખીએ.

ચારથી છ જુલાઈએ એમેઝોન પ્રાઇમ માટે મહત્ત્વના છે. `પ્રાઇમ ડે' તરીકે ઓળખાતા આ ત્રણ દિવસમાં અનેક નવી ફિલ્મો અને સિરીઝનું પ્રસારણ શરૂ થવાનું છે, પણ આ ઓટીટી ચૅનલ તરફથી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

* એમેઝોન પ્રાઇમ 

અહીં 28મી જૂને `ઇન ધ આઇ ઑફ ધ સ્ટોર્મ'ની ચોથી સિઝન શરૂ થશે અને પહેલી જુલાઈએ `એલે' નામની  સિરીઝની પહેલી સીઝન શરૂ થશે.

* જિયો હૉટસ્ટાર 

અહીં ત્રીજી જુલાઈએ રાજકુમાર હિરાની નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ `પ્રીતમ એન્ડ પેડ્રો' રજૂ થશે. જેના મુખ્ય કલાકારો અર્શદ વારસી, વીર હિરાની (રાજકુમાર હિરાનીના પુત્ર-વીર)ની આ પહેલી જ ફિલ્મ છે. તેમની સાથે બોમન ઈરાની, સંજય દત્ત, વિક્રાંત મેસ્સી અને મોનાસિંહ જેવાં કલાકારો છે.

* નેટફ્લિકસ

આ ઓટીટી ચૅનલ પર શનિવાર, 27 જૂને `લૉકઅપ'ની બીજી સિઝન શરૂ થઈ રહી છે. જેમાં મુખ્ય ભૂમિકા કંગના રનૌતની અને બીજી અનેક સેલિબ્રીટી જોવા મળશે. અહીં પહેલી જુલાઈએ `એનોલિયો હોમ્સ'ની ત્રીજી સિઝન પણ શરૂ થઈ રહી છે.