Mon Jun 01 2026

Logo

24 કલાક બાદ રચાશે શક્તિશાળી 'નવપંચમ રાજયોગ',બેંકિંગ, ફાઇનાન્સ અને રોકાણકારોની લાગશે લોટરી...

2026-06-01 16:25:11
Author: Darshana Visaria
Article Image

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આવતીકાલે એટલે કે બીજી જૂનનો દિવસ ખૂબ જ ખાસ અને ઐતિહાસિક સાબિત થવાનો છે. દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. ગુરુના આ રાશિ પરિવર્તનની સાથે જ ન્યાયના દેવતા શનિદેવ સાથે તેમનો 'નવપંચમ રાજયોગ' રચાશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને સૌથી શુભ, શક્તિશાળી અને ભાગ્યશાળી રાજયોગોમાંથી એક ગણવામાં આવે છે, જે માનવ જીવન અને દેશ-દુનિયા પર વ્યાપક અને સકારાત્મક અસર છોડશે.

જ્યોતિષીય ગણતરી અનુસાર કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ ગુરુ સૌથી વધુ બળવાન બને છે અને જાતકોને અત્યંત શુભ પરિણામો આપે છે. બીજી બાજુ, શનિદેવ પણ હાલ પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. જ્યારે બ્રહ્માંડના આ બે સૌથી શક્તિશાળી અને સકારાત્મક ગ્રહો આ પ્રકારનો પરસ્પર સંબંધ બનાવે છે, ત્યારે તેનું શુભ ફળ અનેકગણું વધી જાય છે. આ મહાસંયોગના કારણે ચાર રાશિના જાતકોને બમ્પર ફાયદો થવાનો છે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ... 

*કર્કઃ*
ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હોવાથી આ યોગ વરદાન સમાન રહેશે. તમારા માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે. કુંભ રાશિમાં રહેલા શનિદેવનો મજબૂત સપોર્ટ મળવાથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. અચાનક ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. આ યોગના પ્રભાવથી નિર્ણય લેવાની ક્ષમતા ઉત્તમ બનશે. જે લોકો ઈમાનદારીથી મહેનત કરી રહ્યા છે, તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

*કુંભઃ*
કુંભ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે. ગુરુ સાથે રચાનારો આ નવપંચમ રાજયોગ કરિયર અને બિઝનેસમાં પ્રગતિના નવા આયામો ખોલશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી વધારે મજબૂત અને સ્થિર બનશે. વ્યાપારી દ્રષ્ટિએ આ યોગ દેશની અર્થવ્યવસ્થા, વેપાર તેમ જ બેંકિંગ તથા રોકાણના ક્ષેત્રો માટે ખૂબ જ લાભદાયી સિદ્ધ થશે. બેંકિંગ, ફાઇનાન્સ, શિક્ષણ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે જોડાયેલા આ રાશિના લોકોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.

*વૃશ્ચિકઃ*
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો એક પછી એક લાભની તક લઈને આવી રહ્યો છે. આ રાજયોગને કારણે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો અત્યંત ફળદાયી સાબિત થશે. ખાસ કરીને સંતાન પક્ષ તરફથી કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે. જો તમે લાંબા ગાળાના રોકાણનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમયગાળો ઉત્તમ વળતર આપનારો સાબિત થશે.

*મીનઃ*
મીન રાશિના જાતકો માટે પણ આવતીકાલે બની રહેલો આ રાજયોગ ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. આ સમયે તમારી એક પછી એક યોજનાઓ સફળ થઈ રહી છે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. અચાનક તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. 

*સમાજ અને ધર્મ પર અસર*
ન્યાયના દેવતા શનિ અને દેવગુરુ બૃહસ્પતિનો આ પવિત્ર સંબંધ વૈશ્વિક સ્તરે અને સમાજમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે. લોકોમાં ધર્મ, નીતિ અને ન્યાયના માર્ગ પર ચાલવાની પ્રવૃત્તિ વધશે. આધ્યાત્મિકતા, લોક કલ્યાણ અને સામાજિક સેવાની પ્રવૃત્તિઓ તરફ લોકો ઝડપથી આગળ વધશે.

વધુ જુઓ...