Tue Aug 18 2026

Logo

ઝારખંડ પેપર લીક મુદ્દે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચેની આજની બેઠક નિષ્ફળ, પ્રદર્શનકારીઓએ શું કહ્યું?

2026-08-08 22:38:00
Author: Vimal Prajapati
Article Image

PTI


રાંચી: ઝારખંડની રાજધાની રાંચીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા કથિત પેપર લીક અને ગેરરીતિઓ સામે યુવાનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે આ ગતિરોધ ઉકેલવા માટે ઝારખંડ સરકાર અને પ્રદર્શનકારી વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જોકે, કલાકો સુધી ચાલેલી આ મંત્રણા સંપૂર્ણપણે અનિર્ણાયક અને નિષ્ફળ સાબિત થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બેઠકમાં વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે શું ચર્ચા થઈ?

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. શનિવારે ઝારખંડ સરકાર દ્વારા ગઠિત મંત્રીઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિદ્યાર્થી નેતાઓ સાથે ચર્ચા કરી આંદોલન સમેટી લેવા વિનંતી કરી હતી. સરકારે વચ્ચેનો રસ્તો કાઢવા માટે અનેક દલીલો આપી અને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, આટલા લાંબા સમયથી લડત ચલાવી રહેલા ઉમેદવારો પોતાની મૂળભૂત માંગણીઓ પર મક્કમ રહ્યા હતા.

રવિવારે બપોરે 12 વાગ્યે ફરી યોજાશે બેઠક

સરકાર તરફથી આપવામાં આવેલા મૌખિક આશ્વાસનોથી વિદ્યાર્થીઓમાં અસંતોષ છે, જેને કારણે વાટાઘાટોનો આ તબક્કો કોઈ ચોક્કસ તારણ વગર જ પૂરો થયો હતો. પ્રથમ તબક્કાની વાટાઘાટો નિષ્ફળ ગઈ હોવા છતાં બંને પક્ષો વચ્ચે ચર્ચાના દરવાજા હજુ બંધ થયા નથી. મામલાનો કોઈ વ્યાવહારિક ઉકેલ લાવવા માટે પ્રધાન સંજય યાદવે મીડિયાને માહિતી આપી હતી કે રવિવારે બપોરે 12 વાગ્યે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ફરી એકવાર બેઠક યોજાશે. આગામી બેઠકને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે સરકાર આ વખતે વિદ્યાર્થીઓના ગુસ્સાને શાંત કરવા માટે નવા પ્રસ્તાવ મૂકી શકે છે.

ઝારખંડમાં JPSC અને JSSC દ્વારા લેવાયેલી વિવિધ ભરતી પરીક્ષાઓમાં પેપર લીક અને ધાંધલીના આરોપો સાથે હજારો વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાંચીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલનકારીઓની મુખ્ય માંગણીની વાત કરવામાં આવે તો, સમગ્ર પરીક્ષા પદ્ધતિમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે, પેપર લીકની ઘટનાઓની ઉચ્ચ સ્તરીય તટસ્થ તપાસ કરાવવામાં આવે અને આ કૌભાંડમાં સામેલ દોષિતો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે! પરંતુ પ્રશ્ન એ છે આ મામલે સરકાર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.