Thu Sep 03 2026

Logo

રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: સિનિયર IPSના નેતૃત્વમાં ફરી SIT તપાસ કરશે!

2026-07-20 17:21:00
Author: Devayat Khatana
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: સિનિયર IPSના નેતૃત્વમાં ફરી SIT તપાસ કરશે!

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ચોરી કેસની સુનાવણી કરતાં એક મહત્વનો આદેશ કર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક વરિષ્ઠ IPS અધિકારીના નેતૃત્વ હેઠળ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની પુનર્ગઠન કરવાનો આદેશ આપ્યો છે.

સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે અને સઘન તપાસ ચાલુ હોવાની સાથે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેસની કાર્યવાહી આગળ ધપાવતા સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે હાલમાં આ કેસની તપાસ કોણ ચલાવી રહ્યું છે? જેના જવાબમાં એસજી તુષાર મહેતાએ કોર્ટને માહિતગાર કર્યા હતા કે, "સાચી હકીકત બહાર લાવવા માટે પહેલા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને હવે પોલીસ તેની તપાસ કરી રહી છે. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું છે કે આ એક કોગ્નિઝેબલ ઓફન્સ છે.

તપાસની સમીક્ષા કરતી વખતે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કડક શબ્દોમાં આ મુદ્દા પર રાજકારણ નહીં કરવાની સલાહ આપી હતી. સીએસઆઈએ ટકોર કરતા કહ્યું કે, અદાલતો રાજકારણ કરવાનો અખાડો નથી. આ ગુનાનો એક સામાન્ય મામલો છે અને અમારે માત્ર એટલું જ સુનિશ્ચિત કરવાનું છે કે તેની યોગ્ય અને તટસ્થ તપાસ થાય. 

આ સીધેસીધો ગુનાહિત કૃત્યને અંજામ આપવાનો મામલો છે. આ સાથે જ સીજેઆઈએ સરકારને આગામી 3-4 દિવસમાં તપાસના તમામ પાસાઓ પર ધ્યાન આપીને સિનિયર સભ્યો વાળી નવી એસઆઈટીની રચના અંગેની વિગતો રેકોર્ડ પર લાવવા જણાવ્યું હતું, જેને સરકારે સ્વીકારી લીધું હતું.

હવે આ સમગ્ર મામલાની આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી 27 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. આ આગામી સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કોર્ટના આદેશ અનુસાર નવી બનાવવામાં આવેલી એસઆઈટી અને તેની તપાસની પ્રગતિ વિશે કોર્ટને સત્તાવાર રીતે માહિતગાર કરવામાં આવશે, ત્યાર બાદ કોર્ટ આગળની દિશા નક્કી કરશે.