Sat Jun 06 2026

Logo

રાજુરા ડેમ પાસે મળેલું શબ કોનું?

2026-06-05 19:22:15
Author: Yogesh C Patel
Article Image

યુવતીના હત્યા કેસમાં નાટ્યાત્મક વળાંકો પછી પોલીસનું ટેન્શન વધ્યું: પોલીસે કમ્પ્યુટર ઈમેજ બનાવી: માહિતી આપનારાને 50 હજારનું ઇનામ જાહેર

બુલઢાણા: બુલઢાણા જિલ્લાના રાજુરા ડેમ પરિસરમાં મળેલા યુવતીના માથા વિનાના અર્ધબળેલા ધડે પોલીસનું ટેન્શન વધારી દીધું છે. તપાસ દરમિયાન નાટ્યાત્મક વળાંકો પછી હવે હત્યા કરાયેલી યુવતીની ઓળખ ફરી મેળવવા પોલીસે કમ્પ્યુટર ઈમેજ બનાવીને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી છે. યુવતી અથવા હત્યા સંદર્ભેની માહિતી આપનારાને 50 હજાર રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.



જળગાંળ જામોદ પોલીસને ગયા મહિને રાજુરા ડેમ પરિસરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ યુવતીના મૃતદેહને સળગાવી દેવાયો હતો. જોકે અર્ધબળેલા શબનું માત્ર ધડ હતું. માથું ન હોવાથી યુવતીની ઓળખ થઈ શકી નહોતી. પોલીસના કહેવા મુજબ વીસથી ત્રીસ વર્ષની યુવતીનું એ શબ હતું.

તપાસ દરમિયાન ખગનાર પોલીસની હદમાં આવેલા ખડકી ગામમાં રહેતી 26 વર્ષની શિવાની કળમેકર ગુમ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બન્ને ઘટનાનો સમયગાળો મેળ ખાતો હોવાથી પોલીસે અંદાજ લગાવ્યો કે રાજુરા ધરણ પાસે મળેલું શબ શિવાનીનું હોવું જોઈએ. પોલીસે એ દિશામાં તપાસ કરીને શિવાનીના પિતા અને ભાઈની ધરપકડ કરી હતી. આશ્ર્ચર્યજનક બાબત એટલે બન્નેએ શિવાનીની હત્યાની કબૂલાત કરી હતી.

આ કેસમાં આંચકાજનક વળાંક ત્યારે આવ્યો, જ્યારે 28 મેના શિવાની સામે ચાલીને ખગનાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને પોતે જીવંત હોવાનું કહ્યું હતું. શિવાની જીવતી હોવાની ખાતરી થતાં પોલીસ તપાસના જાણે ધજાગરા ઊડ્યા હતા. પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેને પગલે એક સબ-ઈન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હવે પોલીસે નવેસરથી તપાસ શરૂ કરવી પડી છે. ડેમ પાસેથી મળેલા મૃતદેહની ઓળખ મેળવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. આ માટે મૃતદેહના શારીરિક બાંધાને અનુરૂપ એક કમ્પ્યુટર ઈમેજ બનાવવામાં આવી છે.

જળગાંવ જામોદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર નીતિન પાટીલે જણાવ્યું હતું કે શિવાનીના પિતા અને ભાઈએ ગુનો કબૂલ્યા છતાં મૃતદેહ શિવાનીનો જ હોવાની ખાતરી કરવા ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ માટે ડીએનએ પ્રોફાઈલ પણ તૈયાર કરવામાં આવી હતી અને યુવતીના મૃતદેહને જમીનમાં દાટવામાં આવ્યો હતો.

પોલીસે આ કેસને લગતી માહિતી આપનારા માટે 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને માહિતી આપનારાની ઓળખ છૂપી રાખવાનું વચન આપ્યું છે. અંદાજે પાંચ ફૂટની યુવતીના ડાબા હાથમાં લીલી બંગડી, જ્યારે જમણા હાથમાં કાળો દોરો હતો. તેણે ગુલાબી સૅન્ડલ પહેર્યાં હતાં.