Sat Apr 18 2026

Logo

19 વર્ષીય રાજકુમારી પારીકે રચ્યો ઈતિહાસ; બની દેશની સૌથી નાની વયની મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તોડ્યો વર્ષો જૂનો રેકોર્ડ...

2026-03-06 15:57:00
Author: Darshana Visaria
Article Image

રાજસ્થાનની શેખાવટીની ધરતી શૂરવીરોની સાથે હવે પ્રતિભાશાળી દીકરીઓ માટે પણ ઓળખાઈ રહી છે. ઝુંઝુનુ જિલ્લાની ૧૯ વર્ષીય રાજકુમારી પારીકે સીએ (CA) ફાઈનલ પરીક્ષા પાસ કરીને દેશની સૌથી નાની વયની મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને નવો ઈતિહાસ રચી દીધો છે. ચાલો નજર કરીએ રાજકુમારી પારીક સફળતા અને સંઘર્ષની કહાની પર...

ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ની પરીક્ષા દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે, પરંતુ રાજકુમારીએ તેને માત્ર એક પડકાર તરીકે સ્વીકારી અને સફળતા મેળવીને રાજસ્થાનનું નામ રોશન કરી દીધું છે. મળતી માહિતી અનુસાર રાજકુમારી પારીકે આ સિદ્ધિ માત્ર 19 વર્ષ અને 126 દિવસની ઉંમરે હાંસલ કરી છે. તમારી જાણકારી માટે કે આ પહેલાં આ રેકોર્ડ મધ્યપ્રદેશના મુરૈનાની નંદિની અગ્રવાલના નામે હતો, જેણે 19 વર્ષ અને 330 દિવસની ઉંમરમાં સીએની ફાઈનલ એક્ઝામ પાસ કરી હતી. રાજકુમારીએ આ રેકોર્ડ તોડીને સમગ્ર દેશમાં શેખાવટીનું નામ રોશન કર્યું છે.

રાજકુમારીનો જન્મ ઝુંઝુનુના શ્યામનગર (ગુઢા રોડ) ખાતે થયો હતો. તેના પિતા હેમંત કુમાર પારીક અરુણાચલ પ્રદેશમાં મોટર પાર્ટ્સનો વ્યવસાય કરે છે જ્યારે મમ્મી સાવિત્રી દેવી એક ગૃહિણી છે. રાજકુમારીએ સાબિત કર્યું કે મોટા શહેરોમાં ગયા વગર પણ સફળતા મળી શકે છે. તેમણે પ્રારંભિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ઝુંઝુનુની સ્થાનિક કોલેજમાંથી જ પૂરું કર્યું. તેમની આર્ટિકલશિપ પણ ઝુંઝુનુની એક સ્થાનિક ફર્મમાંથી પૂર્ણ કરી હતી.

વાત કરીએ રાજસ્થાનની રાજકુમારીની આ સફળતાની સફરની તો ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા લેવામાં આવતી આ પરીક્ષાના ત્રણેય તબક્કા - ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઈનલ રાજકુમારીએ ખૂબ જ નાની ઉંમરે પાર કરી લીધા હતા. તેની આ સફળતા પાછળ કઠિન પરિશ્રમ, શિસ્ત અને અતૂટ આત્મવિશ્વાસ રહેલો છે.

સોશિયલ મીડિયા પર નેટિઝન્સ રાજકુમારીની આ સિદ્ધિને ખોબલે ખોબલે પોંખી રહ્યા છે. રાજકુમારીની સિદ્ધિને કારણે તેનો પરિવાર જ નહીં પણ અત્યારે આખા રાજસ્થાનમાં ખુશીની લહેર ફરી વળી છે. કેટલાક રિપોર્ટ્સ તો તે 'યંગેસ્ટ CA ઓફ ધ વર્લ્ડ' હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી આ અંગે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ કે ICAI દ્વારા ઓફિશિયલી સર્ટિફાઈ કરવાનું બાકી છે.