અમદાવાદ-નવી દિલ્હીઃ ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કેરલમ, પુડ્ડુચેરી જેવા રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આંધી સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ, આંધી સાથે વીજળીના કડાકા ભડાકાનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, 10 થી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ સાથે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાનમાં મોટો બદલાવ આવશે નહીં. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાનનો પારો 40 ડિગ્રી સુધી જઈ શકે છે. ગુજરાતમાં 12મી મેના સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. જ્યારે 9થી 12મી મે સુધી દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી છે. આગામી ત્રણ દિવસ સુધી હવામાનમાં મોટો બદલાવ આવશે નહીં. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી! અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. કયા વિસ્તારોમાં પડશે વરસાદ અને કેટલી ઝડપે ફૂંકાશે પવન? જાણો સંપૂર્ણ વિગતો આ વીડિયોમાં. ગુજરાતના હવામાનની પળેપળની અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરો.Ambalal Patel Rain… pic.twitter.com/NC6oJ62qvg
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 6, 2026
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસ એટલે કે 8 મે સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના પંચમહાલ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જો કે 8 મે બાદ ધીમે-ધીમે આકાશ ચોખ્ખુ થતુ જશે, જેના પરિણામે ગરમી વધશે. 8 થી 12 મે સુધીના 4 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના પરિણામે ગુજરાત ભઠ્ઠીમાં શેકાતુ હોય તેવી ગરમી પડશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, સૌથી વધારે ગરમી ઉત્તર ગુજરાતમાં પડી શકે છે, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોચી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં 33 થી 37 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 33 થી 34 ડિગ્રી અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીની પાર પહોંચી જશે. આ દરમિયાન પવનની ગતિ વધારે રહી શકે છે. 12 મે સુધીનો હીટવેવનો રાઉન્ડ જતાં 15 મેથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. જેના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે કેરલમ, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં આગામી 6 થી 7 દિવસ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ થે. બિહાર, વિદર્ભ અને તેલંગાણામાં કરા પડવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં પણ ભારે પવન અને વીજળી પડવાની શક્યતા છે.
ઉત્તરાખંડમાં ફરી એક વખત મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગ પ્રમાણે, આજે અને આવતીકાલે પહાડી વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે મેદાની વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે. રાજસ્થાનમાં મોસમનો બેવડો મિજાજ જોવા મળશે. પર્વ રાજસ્થાનમાં હળવો વરસાદ, ભારે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 9 થી 11 મે સુધી અનેક વિસ્તારમાં લૂ ફૂંકાઈ શકે છે.