Wed Sep 16 2026

Logo

યૂપીના 37 જિલ્લામાં વરસાદનું એલર્ટ, IMDના લેટેસ્ટ અપડેટમાં જાણો ક્યાં થશે સૌથી વધુ વરસાદ

2026-08-07 08:37:00
Author: Mumbai Samachar Team
યૂપીના 37 જિલ્લામાં વરસાદનું એલર્ટ, IMDના લેટેસ્ટ અપડેટમાં જાણો ક્યાં થશે સૌથી વધુ વરસાદ

Ai Image


નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં હવે ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના લેટેસ્ટે અપડેટ અનુસાર, શુક્રવાર (7 ઓગસ્ટ) ના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બુંદેલખંડના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ,  જ્યારે મધ્ય અને દક્ષિણ યુપીના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સતત સક્રિય રહેલી ચોમાસાની સિસ્ટમને કારણે આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. IMD ના હવામાન ચેતવણી મેપ અનુસાર, બુંદેલખંડ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આશંકા છે. વિભાગે પ્રયાગરાજ, પ્રતાપગઢ, અમેઠી, સુલતાનપુર, વારાણસી, ચંદૌલી, મિર્ઝાપુર, સોનભદ્ર, જૌનપુર અને સંત રવિદાસ નગર (ભદોહી) સહિત આસપાસના ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

યલો એલર્ટ વાળા જિલ્લાઓમાં પણ વરસશે વાદળો

હવામાન વિભાગના નકશા મુજબ, મધ્ય ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ યુપીના અનેક જિલ્લાઓ યલો એલર્ટ પર છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, ભારે પવન અને ક્યાંક-ક્યાંક વીજળી પડવાની આશંકા છે. કાનપુર નગર, કાનપુર દેહાત, ઉન્નાવ, ફતેહપુર, કૌશામ્બી, બાંદા, ચિત્રકૂટ, ઝાંસી, લલિતપુર, મહોબા, જાલૌન, આગ્રા, ફિરોઝાબાદ, એટા, કાસગંજ, હાથરસ, મૈનપુરી અને આસપાસના જિલ્લાઓમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

કેમ સક્રિય થયું મોનસૂન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર બનેલું લો પ્રેશર નબળું પડ્યા બાદ મોનસૂન ટ્રફ પોતાની સામાન્ય સ્થિતિની નજીક પહોંચી ગયું છે. આ ઉપરાંત, રાજ્ય પર બનેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે ગંગાના મેદાની વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. આ જ કારણોસર ઉત્તર પ્રદેશમાં મોનસૂન એક્ટિવિટી બની છે અને ઘણા જિલ્લાઓમાં વ્યાપક વરસાદનો દોર જોવા મળી શકે છે.

સતત વાદળો અને વરસાદની અસર તાપમાન પર પણ જોવા મળશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી એક-બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી અને બફારાથી લોકોને રાહત મળવાની આશા છે.

જ્યાં ભારે વરસાદ પડશે, ત્યાં પાણી ભરાવવાની, કાચા રસ્તાઓ પર લપસવાની અને વિઝિબિલિટી (દ્રશ્યતા) ઓછી થવા જેવી સમસ્યાઓ સામે આવી શકે છે. હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે ગાજવીજ અને વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષો અને વીજળીના થાંભલાથી દૂર રહેવું. વરસાદના સમયે બિનજરૂરી મુસાફરી ટાળવી અને ખરાબ હવામાનમાં સુરક્ષિત સ્થાને જ રહેવું.