Tue Oct 06 2026

Logo

રાયગઢમાં એકનાથ શિંદેનું હેલિકોપ્ટર ઉતર્યા પહેલાં બળવો શાંત: અનિકેત તટકરેનો વિજયનો માર્ગ સ્પષ્ટ

2026-06-03 20:12:32
Author: Vipul Vaidya
રાયગઢમાં એકનાથ શિંદેનું હેલિકોપ્ટર ઉતર્યા પહેલાં બળવો શાંત: અનિકેત તટકરેનો વિજયનો માર્ગ સ્પષ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યનું ધ્યાન રાજ્યની વિધાન પરિષદની ચૂંટણીમાં રાયગઢ-રત્નાગિરી જિલ્લામાં યોજાનારી ચૂંટણી પર કેન્દ્રિત હતું. કારણ કે, આ મતવિસ્તારમાં મહાયુતિમાં આંતરિક વિવાદ સામે આવ્યો હતો. મહાયુતિમાં આ બેઠક એનસીપી માટે છોડી દેવામાં આવી છે અને એનસીપી દ્વારા સુનીલ તટકરેના પુત્ર અનિકેત તટકરેને ઉમેદવારી નોંધાવી છે.

જોકે, શિંદેની શિવસેનાના વિધાનસભ્ય મહેન્દ્ર દળવીની પુત્રીએ અહીંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત, પ્રધાન ભરત ગોગાવલે પણ આ ઉમેદવારીનો વિરોધ કરતા હતા. જોકે, સુનીલ તટકરે એકનાથ શિંદેને મળ્યા અને આ વિરોધનો અંત લાવવામાં આવ્યો હતો. બુધવારે જુલી દળવીએ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું, જેનાથી અનિકેત તટકરેની જીતનો માર્ગ હવે ખુલ્લો થઈ ગયો હોવાનું જણાઈ રહ્યું છે. 

કોંકણ વિધાન પરિષદની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર અને મહેન્દ્ર દળવીની પુત્રી જુલી દળવીએ આખરે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આ સમયે ભરત ગોગાવલેના પુત્ર વિકાસ ગોગાવલે પણ હાજર હતા. જુલી વતી વિગ્નેશ માલી પ્રતિનિધિ હતા, જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જુલી તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવી શક્યા ન હતા, એમ વિકાસ ગોગાવલેએ જણાવ્યું હતું.

રાયગઢના પાલક પ્રધાનપદ વિશે પૂછવામાં આવતા વિકાસ ગોગાવલેએ કહ્યું કે મુખ્ય પ્રધાન અને અમારા વરિષ્ઠ નેતાઓ આ અંગે નિર્ણય લેશે. જોકે, એકનાથ શિંદે બુધવારે રાયગઢની મુલાકાતે આવ્યા હતા અને જુલી દળવીએ તેમનું હેલિકોપ્ટર ઉતરે તે પહેલાં જ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ કારણે, આ મતવિસ્તારમાં અનિકેત તટકરેની ઉમેદવારી સામે શિવસેના મહાયુતિનો વિરોધ શાંત થયો હોય તેવું જોવા મળ્યું છે.