Sun Sep 13 2026

Logo

રાહુલ ગાંધી થલાપતિ વિજયને પીએમ બનાવશે, ટીવીકેના ધારાસભ્યનો દાવો

2026-09-02 20:37:48
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધી થલાપતિ વિજયને પીએમ બનાવશે, ટીવીકેના ધારાસભ્યનો દાવો

ચેન્નાઈ: વર્ષ 2029ની લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન પદના ચહેરા મુદ્દે અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં કોંગ્રેસ અને તમિલનાડુમાં સત્તાધારી પાર્ટી ટીવીકે વચ્ચે ચર્ચા ઉગ્ર બની છે. જેમાં વીકેના ધારાસભ્ય કનિમોઝી સંતોષે કહ્યું છે કે થલાપતિ વિજય દેશના આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. 

ટીવીકે અને કોંગ્રેસ વચ્ચે ફરી મતભેદોની શક્યતા 

આ અંગે મીડિયા સાથે વાત કરતા ટીવીકેના જ્યોતિષી અને સેલિબ્રિટી ધારાસભ્ય કનિમોઝી સંતોષે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિજયને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમજ વર્ષ  2029 માં તેઓ વિજય સાથે હાથ મિલાવીને તેમને વડાપ્રધાન પણ બનાવશે. ધારાસભ્ય કનિમોઝી સંતોષના આ નિવેદનથી ટીવીકે અને કોંગ્રેસ વચ્ચે ફરી મતભેદો ઉભા થવાની શક્યતા છે.

રાષ્ટ્રીય રાજકારણમાં મોટું અને આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળશે

તેમણે વર્ષ  2025માં કરેલી તેમની આગાહીને યાદ કરી કે વિજય તમિલનાડુના મુખ્યમંત્રી બનશે. આ આગાહી  વર્ષ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં સાચી સાબિત થઈ. તેવી જ રીતે વર્ષ 2029માં રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટું અને આશ્ચર્યજનક પરિવર્તન જોવા મળશે.

ટીવીકે કાર્યકરો હજુ પણ ફેન મોડમાં

આ ઉપરાંત મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તારાહાઈ કુથબર્ટે દાવો કર્યો કે સીએમ વિજય દ્રઢપણે માને છે કે રાહુલ ગાંધી 2029 માં વડા પ્રધાનપદના ઉમેદવાર હશે. જ્યારે ટીવીકે કાર્યકરો હજુ પણ ફેન મોડમાં છે. 

રાહુલ ગાંધી એકમાત્ર સાર્વત્રિક રીતે સ્વીકૃત ઉમેદવાર

કોંગ્રેસના નેતા એસ. રાજેશ કુમારે જણાવ્યું હતું કે 2029 ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટે રાહુલ ગાંધી એકમાત્ર સાર્વત્રિક રીતે સ્વીકૃત ઉમેદવાર છે. તેમણે ચેતવણી આપી હતી કે જો ટીવીકે રાહુલ ગાંધીને નહીં સ્વીકારે  તો સરકારમાં રહેલા બે કોંગ્રેસના મંત્રીઓ કેબિનેટમાંથી રાજીનામું આપી દેશે.

મુખ્યમંત્રી વિજયને  વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકેનો મુદ્દો એક ખાનગી મીડિયા સર્વેક્ષણમાં તેમને 2029ના વડાપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવારોમાં સ્થાન આપ્યા બાદ ઉભરી આવ્યો છે.