Fri Oct 02 2026

Logo

‘આ લડાઈ માત્ર મમતાની નથી’: TMCના સિમ્બોલ વિવાદ મુદ્દે ભડક્યા રાહુલ ગાંધી

2026-09-18 14:19:53
Author: Mayur Patel
‘આ લડાઈ માત્ર મમતાની નથી’: TMCના સિમ્બોલ વિવાદ મુદ્દે ભડક્યા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (TMC)ના સિમ્બોલ પર રોક લગાવવાને લઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લાલઘૂમ થયા  હતા. તેમણે કહ્યું - લડાઈ માત્ર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની નથી, પરંતુ જેઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે તેવા દરેક રાજકીય પક્ષ અને મતદારોની છે. આ ઉપરાંત તેમણે વોટ ચોરી, સરકારી ચોરી, હવે પાર્ટી ચોરી આ આપણી લોકશાહીના પતનના પ્રતીક બની ગયા હોવાનો દાવો કર્યો હતો.

રાહુલ ગાંધીએ શું કરી પોસ્ટ

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી આયોગ મળીને રાજકીય પક્ષોને તોડવા તથા તેમના ચૂંટણી ચિહ્ન છીનવી લેવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. 

રાહુલ ગાંધીએ લખ્યું, પહેલાં શિવસેના, પછી NCP અને હવે તૃણમૂલ કૉંગ્રેસ. દર વખતે એક જ પેટર્ન - ભાજપ અને ચૂંટણી પંચ મળીને એક પક્ષને તોડે છે. ત્યારબાદ તેનું ચૂંટણી પ્રતીક છીનવી લેવામાં આવે છે. જ્યારે આખેઆખો પક્ષ જ ચોરાઈ શકે છે, ત્યારે કરોડો ભારતીયોના મતો ચોરાઈ જવા એ પણ આશ્ચર્યની વાત નથી. 

આ ઉપરાંત તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, વોટ ચોરી, સરકાર ચોરી, હવે પક્ષની ચોરી - આ આપણા લોકશાહી પતનના પ્રતીક બની ગયા છે. ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી જનાદેશનું રક્ષણ કરવાની છે - પરંતુ તેના બદલે તે જનતાના નિર્ણયને ઉથાલવી દે તેવી તાકાતોને મદદ કરી રહ્યું છે. આ લડાઈ માત્ર મમતા બેનર્જીની નથી.  જે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે તેવા દરેક રાજકીય પક્ષ અને દરેક મતદારની આ લડાઈ છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે તૃણમુલ કૉંગ્રેસના બંને જૂથોને પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન પક્ષનું નામ અને ચિહ્નનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. પંચે બંને પક્ષોને તેમની પસંદગીના નામ અને ચૂંટણી ચિહ્ન આપવા જણાવ્યું હતું. પાર્ટી ચોરી કરવા મુદ્દે વિપક્ષ (ઈન્ડિ ગઠબંધન)ને એક થવાનો વધુ એક મોકો મળ્યો છે. એટલું જ નહીં, યુપીઆઈ મુદ્દે પણ રાહુલ ગાંધીની સાથે અન્ય પક્ષોએ પણ સજ્જડ વિરોધ કરવો જોઈએ તો જનતા પણ પક્ષમાં રહી શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.