નવી દિલ્હીઃ દેશમાં સતત વધી રહેલા પેપર લીક, પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને બેરોજગારીના ગંભીર મુદ્દાઓ પર હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસ પાર્ટીએ હવે આરપારની જંગનું એલાન કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના માર્ગદર્શન અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી એક વિશાળ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના કરોડો યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા કથિત અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે.
વિદ્યાર્થીઓ અને યુવાનોના હક માટે આંદોલનનું એલાન
આ આંદોલન અંતર્ગત યોજાનારા વિદ્યાર્થી સંમેલનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો, શિક્ષકો અને પેપર લીક કૌભાંડોથી પ્રભાવિત થયેલા યુવાનો સીધા રાહુલ ગાંધી સાથે સંવાદ કરશે અને પોતાની સમસ્યાઓ રજૂ કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોના હક માટે રાહુલ ગાંધી આંદોલન કરવાનું એલાન કર્યું છે. તેઓ દેશના મુખ્યત્વે એજ્યુકેશન અને કોચિંગ હબ ગણાતા શહેરોમાં જઈને વિદ્યાર્થીઓના મોટા સંમેલનોને સંબોધિત કરશે. આ મહા-અભિયાનનું સત્તાવાર શેડ્યૂલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
તારીખ 17 જૂને રાજસ્થાનના કોટાથી આ મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવશે. અહીં રાહુલ ગાંધી શિક્ષણના મુખ્ય કેન્દ્ર કોટાથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી આંદોલનની શરૂઆત કરશે. 10 જુલાઈ ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ સભા યોજાશે. 10 જુલાઈના રોજ બિહારના પટનામાં અને 14 જુલાઈએ દિલ્હીમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિશાળ સંમેલન સાથે આ પ્રથમ તબક્કાનું સમાપન થશે.
રોડથી લઈને સંસદ સુધી જંગ
કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, રાહુલ ગાંધી આ આંદોલન દ્વારા યુવાનોની માગણીઓને સડકથી લઈને સંસદ સુધી ઉઠાવશે. જેમાં ખાસ કરીને NEET પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારા કરીને તેનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે, તમામ સરકારી પરીક્ષાઓના ફોર્મની ફી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે, પેપર લીક કરનારી માફિયા ટોળકીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પરીક્ષાઓની સુરક્ષામાં થયેલી આ મોટી નાકામી બદલ કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક પ્રભાવથી રાજીનામું આપે તેવી માંગ રાખવામાં આવશે.
આ આંદોલનને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI, યુથ કોંગ્રેસ અને તમામ સ્થાનિક સમિતિઓ સંયુક્ત રીતે કામ કરશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ પહેલા પણ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી ચૂક્યાં છે. હવે ફરી એક વાર મેદાને ઉતરવાનો નિર્ણય કર્યો છે.