ચંદીગઢ: રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી (આપ) પર આકરો કટાક્ષ કરતાં પાર્ટીના વર્તનની સરખામણી ‘એક્સ ગર્લફ્રેન્ડ’ સાથે કરી છે. ચઢ્ઢાએ કહ્યું કે 'આપ' સતત તેમના નામનું રટણ કરી રહી છે અને તેમના વિશે જ વિચારી રહી છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે તેઓ તો જીવનમાં આગળ વધી ગયા છે, પરંતુ પાર્ટી હજુ પણ તેમના ચક્કરમાં છે. તેમણે ટોણો મારતાં કહ્યું કે પાર્ટી ક્યાંક મારા ચક્કરમાં પોતાની નસ જ ન કાપી બેસે.
ચંડીગઢમાં ભાજપની બેઠક દરમિયાન ચઢ્ઢાએ એસઆઈઆર સહિતના મુદ્દાઓને લઈને 'આપ' પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી સતત તેમનું નામ લઈને નિવેદનો કરી રહી છે. ચઢ્ઢાએ કહ્યું કે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધી જાય અને તેની ‘એક્સ ગર્લફ્રેન્ડ’ સતત તેના વિશે વિચારતી રહે, તેવું જ કંઈક 'આપ' સાથે થઈ રહ્યું છે. તેમના આ નિવેદનને ચઢ્ઢાના તેમની પૂર્વ પાર્ટી સાથેના તાજેતરના રાજકીય મતભેદો વચ્ચેના કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં ડ્રગ્સની સ્થિતિને લઈને પણ સરકારને ઘેરી હતી. સંગરુર આત્મહત્યા કેસનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે પંજાબમાં નશાની સમસ્યા ગંભીર બની ગઈ છે અને શહેરો તથા ગામડાઓમાં ચિટ્ટાનું વેચાણ થઈ રહ્યું છે, એટલું જ નહીં તેની હોમ ડિલિવરી પણ થઈ રહી છે. તેમણે કહ્યું કે નશો કરનારા લોકોની લાઈન રાશનની લાઈન જેટલી લાંબી જોવા મળે છે. ચઢ્ઢાએ સવાલ કર્યો કે છેલ્લા 15 વર્ષમાં ડ્રગ્સની સમસ્યા વધી રહી હોય તો તેને રોકવા માટે શું નક્કર પગલાં લેવાયા છે.
ચઢ્ઢાએ સંગરુરના ગુલઝાર સિંહ આત્મહત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે પોતાના પુત્રની નશાની લતથી પરેશાન હોવાની વાત કરનાર વ્યક્તિનો શું વાંક હતો અને જો કોઈ સરકારને સવાલ કરે તો શું સવાલ કરવો જ ગુનો બની જાય? ચઢ્ઢાએ આરોપ લગાવ્યો કે ગુલઝાર સિંહને કથિત રીતે અપમાનિત કરવામાં આવ્યા બાદ તેમણે સલ્ફાસ ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાથી સમગ્ર પંજાબ દુઃખી છે. દરમિયાન ભાજપ દ્વારા 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન ‘નશા મુક્તસર યાત્રા’ કાઢવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
રાઘવ ચઢ્ઢાના આરોપો પર 'આપ' નેતા અનુરાગ ઢાંડાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે ચઢ્ઢા અને ભાજપ પર પંજાબને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. 'આપ'એ ચૂંટણી પંચના રેકોર્ડનો હવાલો આપતાં જણાવ્યું કે ચઢ્ઢાએ 26 ઓગસ્ટે દિલ્હીમાં મતદાર તરીકે નોંધણી માટે ફોર્મ-6 ભર્યું હતું અને 2 સપ્ટેમ્બરે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ થયું હતું. પાર્ટીએ સવાલ કર્યો કે દિલ્હીમાં મતદાર તરીકે નોંધણી માટે અરજી કર્યા બાદ ચઢ્ઢા 3 સપ્ટેમ્બરે પંજાબ સરકાર પર પોતાનું મતદાર નામ કાપી નાખવાનો આરોપ કેવી રીતે લગાવી શકે?
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં ડ્રગ્સ, મતદાર યાદી અને એસઆઈઆર જેવા મુદ્દાઓને લઈને રાજ્યની રાજનીતિ ગરમાઈ રહી છે. રાઘવ ચઢ્ઢાના'આપ' પરના ‘એક્સ ગર્લફ્રેન્ડ’વાળા કટાક્ષ અને ડ્રગ્સના મુદ્દે લગાવવામાં આવેલા આરોપો બાદ 'આપ' ના વળતા પ્રહારને પગલે હવે માત્ર દિલ્હી જ નહીં પણ પંજાબની રાજનીતિ પણ ગરમાઈ છે.