Mon Jul 27 2026

Logo

જીતની ભવિષ્યવાણી કરનારા જ્યોતિષીને લાગી લોટરી, વિજયે સોંપી સૌથી મોટી જવાબદારી!

2026-05-12 16:10:49
Author: Devayat Khatana
Article Image

ચેન્નઈ: તમિલનાડુના રાજકારણમાં એક મોટા સમાચાર જાણવા મળ્યા છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને ટીવીકે (TVK) પ્રમુખ વિજયના અંગત જ્યોતિષી રિકી રાધન પંડિત વેટ્રિવેલને રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તમિલનાડુ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ, રાધન પંડિતની મુખ્ય પ્રધાનના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર (OSD - રાજકીય) તરીકે તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેના નિયમો અને શરતો સરકાર દ્વારા આગામી સમયમાં અલગથી જાહેર કરવામાં આવશે.

રાધન પંડિત વેટ્રિવેલ એ જ જ્યોતિષી છે જેમણે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય અને તેમની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK)ની ભવ્ય જીતની અગાઉથી જ ભવિષ્યવાણી કરી હતી. ચૂંટણીમાં મળેલી આ શાનદાર જીત બાદ હવે તેમને સરકારમાં આ મહત્વનું પદ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના રાજકારણમાં અનેક મોટા નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધો રહ્યા છે અને મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો પ્રભાવ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મુખ્ય પ્રધાન વિજયના શપથ ગ્રહણ સમારોહના સમયમાં ફેરફાર પણ રાધન પંડિતની સલાહ પર જ કરવામાં આવ્યો હતો. અગાઉ શપથગ્રહણ માટે 10 મેના રોજ બપોરે 3:45 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો, પરંતુ જ્યોતિષી વેટ્રિવેલના સૂચન બાદ તેને બદલીને સવારે 10 વાગ્યે કરવામાં આવ્યો હતો. વિજયની સમગ્ર રાજકીય સફર દરમિયાન વેટ્રિવેલ સતત માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવતા રહ્યા છે, અને હવે વિજય સત્તા પર આવતા વેટ્રિવેલનું રાજકીય કદ પણ વધી ગયું છે.

તમિલનાડુમાં રાધન પંડિત માત્ર એક જ્યોતિષી જ નહીં પરંતુ એક આધ્યાત્મિક ગુરુ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. ભૂતકાળમાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા જેવા દિગ્ગજ નેતાઓ પણ મોટા નિર્ણયો લેતા પહેલા તેમની સલાહ લેતા હોવાનું મનાય છે. છેલ્લા ચાર દાયકાથી જ્યોતિષ ક્ષેત્રે સક્રિય રાધન પંડિત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોનું માર્ગદર્શન કરે છે. જોકે, પડદા પાછળ રહીને સલાહ આપનારા પંડિત હવે સત્તાવાર રીતે વહીવટી તંત્રનો ભાગ બનીને નવી જવાબદારી સંભાળશે.