Tue Jul 28 2026

Logo

કોન્ટ્રોવર્સીનું બીજું નામ કંગના...

2026-07-10 09:24:00
Author: Siddhath Chaya
Article Image

સિદ્ધાર્થ છાયા

કોન્ટ્રોવર્સીનું બીજું નામ કંગના... 
 
આપણાં વરિષ્ઠ હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડના લોકપ્રિય પાત્ર વનેચંદ સાથે કંગના રણાવતની સરખામણી ચોક્કસ કરી શકાય.
વનેચંદને જ્યારે તેના હેડમાસ્ટર જોવે ત્યારે એને કોઈ કારણ વગર મારવા જ માંડતા. એવું કંગનાનું પણ છે. એ જ્યાં જાય ત્યાં વિવાદ એની સાથે જ આવતો હોય છે. જોકે, આ વખતે વિવાદ કંગનાને કારણે નથી પણ કંગના એના મધ્યમાં તો છે જ.
 
2014માં કંગનાને બોલિવૂડમાં સ્થાપિત કરનારી અને નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ ‘ક્વીન’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે બાર વર્ષે ‘ક્વીન 2’ની જાહેરાત થઇ. આ જાહેરાતે જ વિવાદ ઊભો કરી દીધો છે. બન્યું એવું છે કે મૂળ ‘ક્વીન’નાં પચાસ ટકા રાઈટ્સ ‘ફેન્ટમ સ્ટુડિયો’ પાસે છે. હવે આ ‘બીજી ક્વીન’ જીઓ સ્ટુડિયોઝ લાવી રહ્યું છે.

જેવી આ જાહેરાત થઇ કે ફેન્ટમવાળા પેલા સુપરહીરો ફેન્ટમની જેમ સફાળા ઊભાં થયાં. તેમણે ‘જીઓ’નો સંપર્ક કર્યો, પરંતુ ‘જીઓ’ એ રાબેતા મુજબ ‘ફેન્ટમ’ની વાત કાને ન ધરી... પરિણામે હવે ‘જીઓ’ ઉપર ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાયદા હેઠળ ‘ફેન્ટમે’ બોમ્બે હાઈકોર્ટમાં રૂ. 250 કરોડનો દાવો ઠોકી દીધો છે. આ કેસ થયો એટલે ‘જીઓ’ એ ફટાફટ મૌન તોડ્યું અને એવો દાવો કરી દીધો કે અમારી આ ક્વીન નંબર બેને એનાં પાછલા અવતાર સાથે કોઈ જ સંબંધ નથી. અમારી તો વાર્તા જ આખી જુદી છે, ખાલી નામ મળતું આવે છે બસ!
હવે મામલો અદાલતમાં લડાશે. એક વાત સમજાતી નથી કે જ્યારે મોટા પ્રોડ્યુસર્સને ખબર હોય છે કે આ સળગતું લાકડું હાથમાં લઈશું તો તકલીફ ઊભી થવાની જ છે તોય કેમ આમ કરતાં હશે? 

લો, હવે ઘણા બધા ‘ટાઈટન’ જુઓ...

‘એમેઝોન પ્રાઈમ’ પર ધૂમ મચાવી ચૂકેલી વેબ સિરીઝ ‘ધ ટાઈટન સ્ટોરી’ એ હવે આ ઓટીટી પ્લેટફોર્મ માટે એક મોટું દ્વાર ખોલી નાખ્યું છે. હવે આ જ સિરીઝનાં લેખક કરણ વ્યાસને સમગ્ર ટાટા ફેમિલી પર વેબ સિરીઝ લખવાની જવાબદારી આપી દેવામાં આવી છે. આ સિરીઝને હવે ટાટાની ચાર પેઢી પર અલગ અલગ રીતે રજૂ કરવામાં આવશે.

પહેલો ભાગ ટાટા સામ્રાજ્ય સ્થાપનાર જમશેદજી ટાટા પર હશે. બીજો ભાગ આ ગ્રૂપને સ્થિર કરનાર સર દોરાબજી ટાટા અને સર રતન ટાટા પર હશે. તો ત્રીજો ભાગ ટાટા ગ્રૂપને આધુનિક બનાવનાર જે.આર.ડી. ટાટા પર હશે જેમણે એર ઇન્ડિયા, ટેલ્કો અને ટાટા ક્ધસલ્ટન્સી અને અફકોર્સ ટાઈટનની સ્થાપના કરી. ચોથો ભાગ આ જૂથને વૈશ્વિક કક્ષાએ લઇ જનાર રતન નવલ ટાટાનાં જીવનને આપણી સમક્ષ લઇ આવશે.

કરણ વ્યાસ કહે છે કે ટાઈટનનું રિસર્ચ કરતી વખતે તેમને લાગ્યું કે આ ગ્રૂપ એ ફક્ત એક બિઝનેસ ગ્રૂપ નથી. આ ગ્રૂપના પરિવારની વાતો પણ ખૂબ રસપ્રદ છે તો શા માટે તેના પર પણ વેબ સિરીઝ ન બને?  લાગે છે કે આ ચાર ભાગ પણ આપણને મજા કરાવશે.

ફિલ્મ પ્રિયદર્શનની પણ નામ ડેવિડ ધવનની ફિલ્મનું?

અક્ષય કુમાર અને પ્રિયદર્શનને ‘મેઈડ ફોર ઈચ અધર’ કહી શકાય. આ બંને જ્યારે પણ જોડી બનાવે છે ત્યારે ધમાલ જ મચાવે છે. જોકે આ જોડીની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’એ તેના ચાહકોને નિરાશ કર્યાં હતાં, પરંતુ કાને પડેલી વાત મુજબ આ બંને ફરીથી ભેગા થઇ રહ્યા છે. અક્ષય કુમાર પ્રિયદર્શનના નિર્દેશનમાં એક નવી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ હશે ‘વિકેડ સની’.

આ નામ સાંભળીને કુછ યાદ આયા? હા, એક્ઝેક્ટલી વિકેડ સની એ અક્ષય કુમારના ‘મુજ સે શાદી કરોગી’ ફિલ્મનાં કેરેક્ટરનું નામ છે. એ ફિલ્મ તો ડેવિડ ધવને ડાયરેક્ટ કરી હતી, પરંતુ એ પાત્રનું નામ હવે પ્રિયદર્શન પોતાની ફિલ્મ માટે કરશે. લાગે છે કે અક્ષયે જ આ નામ સૂચવ્યું હશે. આશા કરીએ કે અક્ષયે બધી મંજૂરીઓ અને કાયદાકીય અભ્યાસ કરી લીધો હશે. કારણ આપણે આગળ ‘ક્વીન 2’ સાથે શું થયું એ જાણીએ જ છીએ!

કાને આવેલી બીજી વાત અનુસાર આ ફિલ્મ સંપૂર્ણપણે અક્ષય કુમાર પર આધારિત હશે (અફકોર્સ!). ફિલ્મને પ્રિયદર્શન સાથે રોશન શંકરે લખી છે. આ ફિલ્મ એક કોમિક થ્રીલર હશે એમ પણ અમારા કાને સાંભળ્યું છે. તો જોઈએ, કોમેડી જોનરની આ સહુથી હિટ જોડી હવે આપણા માટે નવું શું લાવે છે!

કટ એન્ડ ઓકે...
રણબીર કપૂરની ‘રામાયણ’નું ભારતમાં ડિસ્ટ્રિબ્યુશન કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ કરશે.