આપણામાંથી મોટાભાગના લોકો દરરોજ ટીવી તો જોતા જ હોય છે અને ટીવી જોતી વખતે તેને ચલાવવા માટે રિમોટ તો જોઈએ ને? જો તમે આ રિમોટને ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે આ રિમોટ પર રેડ, યેલો, ગ્રીન અને બ્લ્યુ કલરના ચાર બટન જોવા મળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આ બટનનું રિમોટમાં શું કામ છે? ચાલો તમને આ વિશે જણાવીએ...
રિમોટ પર નીચેની બાજુએ જોવા મળતાં રેડ, યેલો, ગ્રીન અને બ્લ્યુ રંગના ચારેય બટનને લઈને મોટા ભાગના લોકોની એવી માન્યતા હોય છે કે આ બટન માત્ર શોભા માટે છે, કારણ કે સામાન્ય રીતે તેને દબાવવાથી કંઈ થતું નથી. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. તમને જાણીને નવાઈ લાગશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રિમોટ પર જોવા મળતાં આ ચારેય બટનો ચોક્કસ શોર્ટકટ કમાન્ડ્સ માટે આપવામાં આવ્યા છે.

જૂના ટીવીમાં 'ટેલીટેક્સ્ટ' સર્વિસ
અત્યારે તો જમાનો સ્માર્ટ ટીવીનો છે. પરંતુ વાત કરીએ જૂના જમાનાની તો એ સમયે ટીવી રિમોટમાં આ બટનો મુખ્યત્વે ટેલીટેક્સ્ટ સર્વિસ માટે આપવામાં આવત્યા હતા. એ સમયે ટીવી પર ટેક્સ્ટ બટન દબાવવાથી એક અલગ મેનૂ ખુલતું હતું, જેમાં સમાચાર કે અન્ય માહિતી જોવા મળતી હતી.
આ મેનૂમાં નંબર ટાઈપ કર્યા વિના એક પેજથી બીજા પેજ પર જવા માટે આ રંગીન બટનોનો ઉપયોગ થતો હતો. સામે ટીવીની સ્ક્રીન પર નીચે જે રંગનો વિકલ્પ દેખાય, તે રંગનું બટન દબાવતા જ તમે સીધા તે સેક્શનમાં પહોંચી શકતા હતા.
સેટ-ટોપ બોક્સમાં નવો અવતાર
આજના સમયમાં સેટ-ટોપ બોક્સના રિમોટમાં આ બટનોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. અનેક સેટઅપ બોક્સ એટલે કે ડીટીએચ ઓપરેટર્સ આ બટનોનો ઉપયોગ ઓડિયો લેંગ્વેજ બદલવા માટે કરે છે.
આ સિવાય જે સેટ-ટોપ બોક્સમાં રેકોર્ડિંગની સુવિધા હોય છે, ત્યાં આ બટનો દ્વારા વીડિયોને ટ્રિમ (કાપવા), લોક કરવા કે ડિલીટ કરવાના શોર્ટકટ મળે છે. કોઈ ખાસ પ્રકારની સર્વિસ અથવા ચેનલ એક્ટિવેટ કરવા માટે પણ આ કલર કોડેડ બટનોનો ઉપયોગ કરવામાં આવે છે.

આધુનિક સ્માર્ટ ટીવીમાં ઉપયોગ
સ્માર્ટ ટીવીના યુગમાં આ બટનો 'હોટ-કી' તરીકે ઓળખાય છે. ટીવીના જટિલ મેનૂમાં ઝડપથી આગળ-પાછળ જવા માટે આ બટનો મદદરૂપ થાય છે. કેટલીક બ્રાન્ડ્સ યુઝર્સને આ બટનો પોતાની મરજી મુજબ સેટ (Customize) કરવાની છૂટ આપે છે, જેથી તમે ફેવરિટ એપ કે સેટિંગ્સ એક ક્લિકમાં ખોલી શકો.
અહીંયા તમારી જાણકારી માટે કે મોટા ભાગના કિસ્સામાં રિમોટ પર જોવા મળતાં આ કલરફૂલ બટન્સ ત્યારે જ કામ કરે છે જ્યારે તમે ટીવીના કોઈ ચોક્કસ મેનૂ અથવા એપની અંદર હોવ. હોમ સ્ક્રીન પર તે કદાચ કોઈ પ્રતિસાદ ન આપે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરીને તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી અને જાત જાતની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...