લંડનઃ લંડનમાં 24 વર્ષની ભારતીય મૂળની યુવતી કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરે બેડરૂમમાં ઘૂસીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આ દરમિયાન બાજુમાં સૂતા તેમના પતિ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો જીવ બચી ગયો હતો.
પંજાબની રહેવાસી કિરણદીપ માત્ર 2 વર્ષ પહેલાં મોટા સપનાઓ સાથે સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન ગઈ હતી. સમગ્ર પરિવારને આશા હતી કે તે ત્યાં અભ્યાસ કરીને સ્થાયી થશે અને પરિવારની ગરીબી દૂર કરશે. સૌથી દુઃખદ વાત એ છે કે કિરણદીપ થોડા જ અઠવાડિયા પહેલાં માતા બની હતી. એક તરફ પરિવાર આને 'હેટ ક્રાઇમ' ગણાવી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ અન્ય તમામ પાસાઓથી પણ તપાસ કરી રહી છે.
બેડરૂમમાં સૂતી કિરણદીપ પર ડેનિયલે છરીના ઘા ઝીંક્યા
આ ઘટના રવિવાર રાત્રે બની હતી. પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે 44 વર્ષીય આરોપી ડેનિયલ શોન જેમ્સ ઘરની દીવાલ કૂદીને અંદર ઘૂસી ગયો હતો. તે સીધો કિરણદીપના બેડરૂમમાં પહોંચ્યો અને સૂતી હાલતમાં તેમના પર ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા.
જ્યારે કિરણદીપના પતિએ હુમલાખોરને રોકવાનો અને પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેમના પર પણ અનેક છરીના ઘા કર્યા હતા. તેઓ લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાળકની હાલત કેવી છે અને તે સુરક્ષિત છે કે નહીં, તે અંગે પોલીસે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરી નથી.
ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ડેનિયલ બારીમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. બારીમાંથી કૂદવાના કારણે તેને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જમીન વેચીને લંડન મોકલી, હવે માત્ર મૃતદેહ પરત આવશે
કિરણદીપના મોતના સમાચાર તેમના વતન પંજાબના તરનતારન જિલ્લાના ગામમાં પહોંચતા જ શોકનો માહોલ છવાઈ ગયો હતો. કિરણદીપ લગભગ 2 વર્ષ પહેલાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા લંડન ગઈ હતી. આકરી મહેનત બાદ તેણે ત્યાં વર્ક પરમિટ પણ મેળવી લીધી હતી અને ત્યાં જ કામ કરતી હતી.
તેમના પિતા સુખદેવ સિંહ અને માતા બલજીત કૌરે રડી પડતાં જણાવ્યું કે, દીકરીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે તેમણે પોતાની તમામ ખેતીની જમીન વેચી દીધી હતી. તેમને આશા હતી કે દીકરી ત્યાં સ્થાયી થઈ પોતાના ભાઈ-બહેનોને પણ વિદેશ બોલાવશે અને સમગ્ર પરિવારની ગરીબી દૂર કરશે, પરંતુ એક જ ક્ષણમાં તેમના વૃદ્ધાવસ્થાનો સહારો છીનવાઈ ગયો છે.