Tue Aug 25 2026

Logo

પંજાબમાં ગમખ્વાર અકસ્માત: આનંદપુર સાહિબથી પરત ફરી રહેલા યાત્રાળુઓની બસ પલટી, 8ના મોત

2026-04-15 17:36:22
Author: Mumbai Samachar Team
પંજાબમાં ગમખ્વાર અકસ્માત: આનંદપુર સાહિબથી પરત ફરી રહેલા યાત્રાળુઓની બસ પલટી, 8ના મોત

ફતેહગઢ સાહિબઃ પંજાબના ફતેહગઢ સાહિબમાં આનંદપુર સાહિબથી પરત ફરી રહેલા યાત્રાળુઓને લઇ જતી એક બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૧૯ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

આ અકસ્માત મંગળવારે રાત્રે લગભગ ૧૦ વાગ્યે બસ્સી પઠાણા વિસ્તારમાં મોરિંડા-ચુન્ની રોડ પર હિમ્મતપુરા નજીક થયો હતો. ફતેહગઢ સાહિબના મેન મજરીના રહેવાસી યાત્રાળુઓ વૈશાખીના પર્વ નિમિત્તે રૂપનગર જિલ્લાના આનંદપુર સાહિબ ખાતે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

ફતેહગઢ સાહિબના વરિષ્ઠ પોલીસ અધિક્ષક(એસએસપી) શુભમ અગ્રવાલે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ વાહનમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાનું જણાઇ આવે છે. બસમાં લગભગ ૪૦ લોકો સવાર હતા.

ફતેહગઢ સાહિબના નાયબ પોલીસ અધિક્ષક(ડીએસપી) રાજ કુમારે જણાવ્યું કે શરૂઆતમાં આ ઘટનામાં એક મહિલા સહિત છ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૧ ઘાયલ થયા હતા. બાદમાં બે ઘાયલોએ અલગ-અલગ હોસ્પિટલોમાં દમ તોડ્યા હતા. આ અકસ્માતના ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના મુસાફરો સુરક્ષિત હતા.

આ અકસ્માતની જાત થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી. એક ઘાયલ મહિલાએ જણાવ્યું કે બસ મેન મજરી ગામ પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક પલટી ગઇ હતી.

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને યાત્રાળુઓના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમજ કહ્યું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં પીડિતોની સાથે ઊભી છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે પણ યાત્રાળુઓના મોત અંગે શોક વ્યક્ત કર્યો હતો.