Mon Jul 27 2026

Logo

પંજાબના અમૃતસરમાં ASIની જાહેરમાં ગોળી મારીને હત્યા, કાયદો અને વ્યવસ્થા અંગે સવાલ

2026-05-24 10:56:00
Author: Vimal Prajapati
Article Image

અમૃતસર: પંજાબના અમૃતસરમાંથી એક ચોંકાવનારો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરમાં સવારે પોતાની ફરજ પર જઈ રહેલા એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)ની અજાણ્યા બદમાશોએ જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર પંજાબ પોલીસ વિભાગ અને સ્થાનિક વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મૃતક પોલીસકર્મીની ઓળખ જોગા સિંહ તરીકે થઈ છે.

રસ્તા વચ્ચે રોકી ગોળી મારી બદમાશો ફરાર

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ASI જોગા સિંહ સવારે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. તેઓ હજી રસ્તામાં જ હતા ત્યાં બાઇક પર આવેલા કેટલાક અજાણ્યા યુવકોએ તેમને રોક્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, હુમલાખોરોએ કોઈ પણ પ્રકારની બોલાચાલી કે ચર્ચા કર્યા વિના અચાનક જ જોગા સિંહ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળી વાગતાં જ એએસઆઈ જોગા સિંહ લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ ગુનેગારો હથિયારો લહેરાવતા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ હત્યા કેસમાં ફોરેન્સિક તપાસ શરૂ

સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોગા સિંહને અત્યંત ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાકાબંધી કરી દેવામાં આવી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે સુનિયોજિત કાવતરું હોઈ શકે!

પ્રાથમિક તપાસ પ્રમાણે, આ કોઈ અચાનક બનેલી ઘટના નથી પરંતુ એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે. હત્યા પાછળ કોઈ જૂની રંજિશ, ગુનાહિત દુશ્મનાવટ અથવા તેમની ડ્યુટી સંબંધિત કોઈ કેસ હોઈ શકે છે! જોકે, પોલીસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. કેસના ઉકેલ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરાઈ છે. એક પોલીસ અધિકારીની જાહેરમાં થયેલી હત્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.