Tue Sep 29 2026

Logo

સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી માટે નકલી સર્ટિફિકેટનું કૌભાંડ: પુણેમાં બેની ધરપકડ

2026-09-08 18:23:27
Author: Yogesh C. Patel
સ્પોર્ટ્સ ક્વોટામાં સરકારી નોકરી માટે નકલી સર્ટિફિકેટનું કૌભાંડ: પુણેમાં બેની ધરપકડ

પુણે: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારોને કુરાશ ટુર્નામેન્ટ્સનાં 1,000થી વધુ નકલી સર્ટિફિકેટ્સ આપવાના કૌભાંડનો પર્દાફાશ કરી પુણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.આરોપીઓમાં મહારાષ્ટ્ર કુરાશ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીનો સમાવેશ થાય છે. આરોપીઓએ ક્યારેય યોજાઈ નહોતી એવી રાજ્ય સ્તરીય સ્પર્ધા માટે ચેડાં કરેલા રેકોર્ડ્સ તૈયાર કર્યા હતા. સરકારી નોકરીઓ માટે આ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરનારા ઓછામાં ઓછા 60 જણને પોલીસે ઓળખી કાઢ્યા હતા.

કુરાશ એક એવા પ્રકારની કુસ્તીનો પ્રકાર છે, જે મધ્ય એશિયાથી શરૂ થયો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત છે. મહારાષ્ટ્રમાં 1012થી કુરાશ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર હેઠળ એનું આયોજન કરવામાં આવે છે, એવું પોલીસે જણાવ્યું હતું.પોલીસને ફરિયાદ મળી હતી કે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સરકારી નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે કુરાશ અને અન્ય રમતોમાં નકલી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. માહિતી અધિકારી હેઠળ અરજી કરીને મેળવવામાં આવેલા દસ્તાવેજોની પણ ચકાસણી કરાઈ હતી, જેમાં અનેક વિસંગતિઓ મળી આવી હતી.

તપાસમાં જણાયું હતું કે ઈન્ડિયન કુરાશ ઍસોસિયેશન સાથે જોડાયેલી ન હોય એવી સંસ્થાઓ દ્વારા 2016થી 2019 દરમિયાન સ્પર્ધાઓ યોજાઈ હતી અને સર્ટિફિકેટો પર સહી કથિત પણે સ્કૅન કરીને ગોઠવવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ આ બન્ને આરોપીએ જિલ્લા સ્તરનાં ઍસોસિયેશન્સ પાસેથી સ્પર્ધામાં ભાગ લેવા માટેનાં નવથી દસ વર્ષની પાછલી તારીખના પત્રો લીધા હતા, જેથી એવો રેકોર્ડ દેખાડી શકાય કે આ સ્પર્ધાઓ 2016થી 2022 વચ્ચે યોજાઈ હતી.

ખોટાં સર્ટિફેટ્સમાં ઘણી ત્રુટિઓ દેખાઈ હતી, જેમાં સૌથી મહત્ત્વની ભૂલ એ હતી કે 2016-17ના પ્રમાણપત્રમાં જિલ્લાનું નામ ધારાશિવ લખાયું હતું, પણ હકીકત એ છે કે 2023માં ઉસ્માનાબાદ જિલ્લાનું નામ બદલીને ધારાશિવ કરાયું હતું. આ જ રીતે અગાઉ ઔરંગાબાદ નામ ધરાવતા જિલ્લાના પ્રમાણપત્રો પર છત્રપતિ સંભાજીનગર નામ લખાયેલાં હતાં, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ કૌભાંડની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે મહિલા કૅટેગરી માટેનાં સર્ટિફિકેટો પર પુરુષોનાં નામ  હતાં, જ્યારે અનેક સર્ટિફિકેટ્સ પર સિરિયલ નંબર નોંધાયા નહોતા. રૅકેટની શરૂઆત 2016માં થઈ હતી અને પછી 1000થી વધુ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં, એવું અધિકારીએ જણાવ્યું હતું.

અત્યાર સુધી વિવિધ સરકારી વિભાગોમાં નોકરી માટે રજૂ કરાયેલાં આવાં 60 નકલી સર્ટિફિકેટનું પગેરું પોલીસે શોધી કાઢ્યું છે. તપાસની સાથે આ આંકડો વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને કૌભાંડ કેટલા મોટા પાયે ફેલાયેલું છે તે શોધી કાઢવા માટે અન્ય પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે.
પોલીસ વિભાગમાં કોઈએ આવાં ડુપ્લિકેટ અથવા ફૅક સર્ટિફિકેટને આધારે નોકરી મેળવી છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)