(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ હાર્બર લાઈનના કુર્લા સ્ટેશન નજીક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મહિલાઓને હેરાન કરનારા રોમિયોને મુંબઈગરાઓએ પકડીને માર માર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુસાફરો યુવકને માર માર્યા પછી ટીંગાટોળી કરીને પોલીસ અને આરપીએફની ચોકી તરફ લઈ જતા જોવા મળ્યા હતા તેમજ સાથે પોલીસ અને અન્ય લોકોએ પણ તેના પર ગુસ્સો ઠાલવ્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં ત્રણથી ચાર પ્રવાસીએ યુવકને પકડીને રેલવે બ્રિજ પરથી પ્લેટફોર્મ તરફ લઈ જતા જોવા મળ્યા હતા. તેમની સાથે એક આરપીએફ કર્મચારી પણ દેખાય છે. યુવક આ દરમિયાન પોતાને છોડાવવાનો પ્રયાસ કરતો અને હાથ-પગ હલાવતો જોવા મળે છે, જ્યારે અન્ય મુસાફરો પણ તેમની પાછળ ચાલતા નજરે પડે છે.
વીડિયોના અંતિમ ભાગમાં યુવક હાથ છોડાવવાનો પ્રયાસ કરતો દેખાય છે અને હાથ છૂટી ગયા બાદ તેને પ્લેટફોર્મ પર પગથી ખેંચીને લઈ જવામાં આવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા પ્રમાણે, મુસાફરોએ યુવકની હરકત જોઈ તેને રોક્યો અને ત્યાર બાદ તેને આરપીએફને સોંપી દીધો હતો. જોકે, યુવક ખરેખર કયા સંજોગોમાં પકડાયો હતો અને તેની સામેના આરોપો અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરના સત્તાવાર એકાઉન્ટ પરથી આરપીએફને ટેગ કરીને સમગ્ર મામલાની તપાસ કરવા જણાવાયું હતું. રેલવે તરફથી ઘટનાની તપાસ કરવામાં આવી રહી હોવાની માહિતી સંબધિત અધિકારીઓએ આપી હતી.
જોકે લોકલ ટ્રેનોમાં વારંવાર થતી મારામારીની ઘટનાઓ અને હવે મહિલાઓ માટે અરક્ષિત કોચમાં મહિલા પ્રવાસીઓની હેરાનગતિ કરનારા રોમિયોને લોકલના પ્રવાસીઓએ પાઠ ભણાવ્યો હતો. તેથી ચાકુકાંડમાં મૂકદર્શક બનેલા પ્રવાસીઓ હવે આવી ઘટનાઓને રોકવા જાગ્યા હોવાની સકારાત્મક પરિસ્થિતિ પણ નિર્માણ થઇ છે.
Man allegedly harassing women in the Harbour Line ladies’ compartment was caught by alert passengers at Kurla and handed over to RPF. Public gave him a lesson before RPF took him into custody. Women’s safety first.
— Chetna Raja (@ChetnaRaja) September 29, 2026
#Kurla #HarbourLine #WomensSafety pic.twitter.com/W6oAkA9Sjc
મુંબઈગરાઓ હવે માત્ર મૂકદર્શક નહીં બને, પણ મદદ માટે આગળ પણ આવશે
લોકલ ટ્રેનોમાં વારંવાર બનતી મારામારી અને હેરાનગતિની ઘટનાઓ વચ્ચે આ ઘટનાએ મુંબઈગરાઓની બદલાતી ભૂમિકા પણ સામે લાવી છે. મહિલા કોચમાં મુસાફરોને હેરાન કરવાના આરોપમાં યુવકને પકડીને પોલીસને સોંપવાની ઘટનામાં પ્રવાસીઓએ માત્ર તમાશો જોવાને બદલે એકસાથે આગળ આવી પીડિતની મદદ કરવાનો પ્રયાસ કર્યો.
અગાઉની કેટલીક ગંભીર ઘટનાઓમાં પ્રવાસીઓ મૂકદર્શક બની રહ્યા હોવાની ચર્ચા વચ્ચે હવે આવી હરકતો સામે મુસાફરો સામૂહિક રીતે અવાજ ઉઠાવી રહ્યા છે. એટલે લોકલમાં કોઈ મુસાફર મુશ્કેલીમાં હોય ત્યારે તેને એકલો ન છોડીને તેની મદદે આગળ આવવાની સકારાત્મક માનસિકતા વિકસી રહી હોવાના સંકેત મળી રહ્યા છે.