પુણેઃ પુણેમાં વિધાન પરિષદની ચૂંટણીને લઈને રાષ્ટ્રવાદી પક્ષમાં નાટક જોવા મળ્યું છે. પુણેમાં વિધાન પરિષદ માટે એનસીપીએ સંજય કાકડેના પુત્ર વિક્રમ કાકડેને ઉમેદવારી આપ્યા બાદ પાર્ટીમાં નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન, એનસીપી શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે એનસીપી ઉમેદવાર માટે 50થી 60 કરોડ રૂપિયાનો સોદો થયો હોવાનો આરોપ લગાવ્યા બાદ પુણેના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમણે પુણેમાં મીડિયા સમક્ષ આ વાત કરી હતી.
રોહિત પવારે કહ્યું, અમે સાંભળ્યું છે કે પુણેના ઉમેદવારોને પૈસા લઈને ઉમેદવારી આપવામાં આવી હતી. પુણેના એનસીપી ઉમેદવાર માટે 50 થી 60 કરોડ રૂપિયાનો સોદો થયો છે. અમારા ઘણા ઉમેદવારો ડરી ગયા હોવાથી ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે. ભાજપ અને મહાયુતિ ગંદી રાજનીતિ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે મહાયુતિએ રાજ્યમાં એવા ઉમેદવારો આપ્યા છે, જેમની પાસે કરોડો રૂપિયા છે. બહારથી આવેલા ઘણા લોકોને ઉમેદવારી આપવામાં આવી છે. અમારા પ્રામાણિક કાર્યકરો લડવા માટે તૈયાર છે.
અજિત પવારનો સંજય કાકડે અને અનિલ ભોંસલે સાથે મોટો ઝઘડો થયો હતો. એવી ચર્ચા હતી કે પાર્ટીના પદાધિકારીઓ તેમના પુત્રને ધારાસભ્ય બનાવતા નાખુશ હતા. 2017માં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનસીપી ને ભાજપ સામે હરાવવામાં સંજય કાકડેએ મોટી ભૂમિકા ભજવી હતી.
તે સમયે ભાજપમાં રહેલા સંજય કાકડેએ ઘણા એનસીપી કોર્પોરેટરોને તોડ્યા હતા અને તેમને ભાજપમાં જોડાવા માટે મજબૂર કર્યા હતા. જે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા નહોતા તેમને કાકડેએ સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને હરાવ્યા હતા. દરમિયાન,રાજકીય વર્તુળોમાં ગુસપુસ થઈ રહી છે વિક્રમ કાકડેને તેમની આર્થિક તાકાતના જોરે ઉમેદવારી મળી છે.