પુણે: શહેરનું એક મુખ્ય સીમાચિહ્ન અને મધ્ય રેલવેના નેટવર્કના સૌથી મહત્વપૂર્ણ સ્ટેશનોમાંનું એક એવું પુણે જંકશનએ સોમવારે તેની ભવ્ય સફરના 101 વર્ષ પૂર્ણ કર્યા હતા. સ્ટેશનના વર્તમાન બિલ્ડિંગનું ઉદ્ઘાટન 27 જુલાઈ, 1925ના બોમ્બે પ્રેસિડન્સીના તત્કાલીન ગવર્નર સર લેસ્લી વિલ્સન દ્વારા કરવામાં આવ્યું હતું. એક સદીથી વધુની સફર ખેડ્યા બાદ આજે આ સ્ટેશન શહેરની જીવાદોરી સમાન બની રહ્યું છે, જે આધુનિક સુવિધાઓ, પ્રવાસીઓની વધતી જતી સંખ્યા અને સતત વિસ્તરણની વિશેષતાઓ ધરાવે છે.
પુણેમાં રેલવેની શરૂઆત 1856માં થઈ હતી, જ્યારે પ્રથમ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવે સેવાઓના વિસ્તરણ અને પ્રવાસીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આખરે જૂના સ્ટેશનને બદલવામાં આવ્યું.
1915માં ઈન્ડો-સારાસેનિક સ્થાપત્ય શૈલીમાં નવા સ્ટેશનના મકાનનું નિર્માણ કાર્ય શરૂ થયું. બ્રિટિશ આર્કિટેક્ટ પી. વોલ્સન દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન પર આધારિત આ ઈમારતનું ઉદ્ઘાટન 27 જુલાઈ, 1925ના કરવામાં આવ્યું હતું, તે આજે પણ પુણે સ્ટેશનની ઐતિહાસિક ઓળખ બની રહી છે.
રોજના 1.70 લાખ મુસાફરોની અવરજવર
પુણે જંક્શનનો સમય જતાં સતત વિકાસ થયો છે. એ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાં સ્થાન ધરાવે છે. અહીંથી દરરોજ 250થી વધુ ટ્રેનો પસાર થાય છે, જ્યારે 1,70,000થી વધુ મુસાફરો દરરોજ આ સ્ટેશન મારફતે મુસાફરી કરે છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોલકાતા સહિત દેશના મુખ્ય શહેરો સાથે પુણેને જોડતું આ સ્ટેશન પશ્ચિમ ભારતના મહત્વપૂર્ણ રેલવે હબમાં સ્થાન ધરાવે છે. સ્ટેશનના પુનર્વિકાસ, મુસાફરો માટેની આધુનિક સુવિધાઓ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરતા અનેક પ્રોજેક્ટ્સ પર પણ કામ ચાલી રહ્યું છે.
કેક કાપીને ઉજવણી કરી
પુણે જંક્શનના 101 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં સ્ટેશન પરિસરમાં કેક કાપવાનો અને મીઠાઈ વહેંચવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સ્ટેશન ડાયરેક્ટર નરેન્દ્ર ધવલે અને મદનલાલ મીણાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રેલવે કર્મચારીઓ, હાઉસકીપિંગ સ્ટાફ, કુલી, પોર્ટર અને મુસાફરો સહિત 300થી વધુ લોકોને કેક અને મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્ટેશનના ઐતિહાસિક વારસાને યાદ કરવાનો તેમ જ રેલવે સ્ટાફ અને મુસાફરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.