Tue May 05 2026

Logo

મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના સંકેત, ટ્રમ્પે કહ્યું ઇરાને હજુ સુધી તેના કૃત્યની સંપૂર્ણ કિંમત નથી ચૂકવી

washington dc   1 day ago
Author: Chandrakant Kanoja
Article Image

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન  ફરી એકવાર શાંતિ મંત્રણા મુદ્દે આમને સામને આવી ગયા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને મોકલેવા શાંતિ પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ચેતવણી આપી છે કે ઇરાને હજુ સુધી તેના કૃત્યની સંપૂર્ણ કિંમત નથી ચૂકવી. જેના પગલે મિડલ ઈસ્ટમાં ફરી એકવાર યુદ્ધ થવાના સંકેત મળી રહ્યા છે. 

બંને દેશો વચ્ચે તણાવ વધશે 

ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ સંકેત આપ્યો હતો કે ઈરાન તરફથી આવનાર કોઈપણ નવા શાંતિ પ્રસ્તાવને સ્વીકારવો મુશ્કેલ બનશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ જે પ્રસ્તાવની સમીક્ષા કરવાના છે તે સ્વીકાર્ય હોવાની શક્યતા  દેખાતી નથી. તેમનું આ નિવેદન બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને વધુ વધારી શકે છે.

આઇઆરજીસીએ પણ આકરી પ્રતિક્રિયા આપી 

જ્યારે બીજી તરફ  ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડએ પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે અમેરિકા પાસે  નિર્ણય લેવાની ક્ષમતા  મર્યાદિત થઈ  છે. નિષ્ણાતો માને છે કે આ નિવેદનો સૂચવે છે કે  અમેરિકા અને ઈરાન વચ્ચેનો રાજદ્વારી અવરોધ ટૂંક સમયમાં સમાપ્ત નહિ થાય. તેમજ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તંગ બની શકે છે. 

ઇરાને અમેરિકાને 14 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો 

ઈરાન દ્વારા મોકલવામાં આવેલા 14 મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં  યુદ્ધવિરામનો સમયગાળો વધારવાને બદલે યુદ્ધનો અંત લાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. અમેરિકાના નવ મુદ્દાના પ્રસ્તાવના જવાબમાં રજૂ કરાયેલ આ પ્રસ્તાવમાં  અમેરિકાએ  ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવા, નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરવા, પ્રદેશમાંથી તેના દળો પાછા ખેંચવા અને લેબનોનમાં ઇઝરાયલના લશ્કરી કાર્યવાહી સહિત તમામ પ્રકારના હુમલા  બંધ કરવા હાકલ કરવામાં આવી છે.  ઈરાને પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા પોતાનો પ્રતિભાવ આપ્યો છે. પાકિસ્તાને અગાઉ ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રથમ સીધી વાટાઘાટોનું આયોજન કર્યું હતું.