Tue May 05 2026

Logo

પાકિસ્તાનમાં ઇતિહાસ રચાયો: બે હિન્દુ યુવકોએ ફેડરલ સિવિલ સર્વિસમાં જોડાશે

Islamabad   2 days ago
Author: Mumbai Samachar Team
Article Image

ગરીબી અને પડકારોને માત આપી સિંધના બે યુવકો પાકિસ્તાનની પ્રતિષ્ઠિત CSS પરીક્ષામાં સફળ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાયના બે યુવકોએ ફેડરલ સિવિલ સર્વિસમાં જોડાવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. દેશમાં સરકારી નોકરીઓમાં આવા જૂથોનું પ્રતિનિધિત્વ ઐતિહાસિક રીતે ઓછું રહ્યું છે.

ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન(એફપીએસસી) દ્વારા ગુરૂવારના રોજ પરિણામો જાહેર થયા પછી સેન્ટ્રલ સુપીરિયર સર્વિસીસ(સીએસએસ)માં જોડાવવા માટે લાયક ઠરેલા ૧૭૦ ઉમેદાવરમાં સિંધ પ્રાંતના રહેવાસી જીવન રેબારી અને ખેમ ચંદ જંડોરાના નામનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૩ની વસ્તી ગણતરી અનુસાર કુલ ૩૮ લાખની વસ્તી સાથે હિન્દુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સમુદાય છે, જે મોટા ભાગે સિંધ પ્રાંતમાં રહે છે. પાકિસ્તાનના સીએસએસમાં લઘુમતીઓનું પ્રતિનિધિત્વ ઐતિહાસિક રીતે ઓછું રહ્યું છે. જેના કારણે સરકારે ૨૦૨૫માં સંખ્યા વધારવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમ જેવી પહેલ શરૂ કરી છે.

એફપીએસસી અનુસાર દેશભરમાંથી ૧૨,૭૯૨ લોકોએ લેખિત પરીક્ષા આપી હતી, જેમાંથી ૩૫૫ પાસ થયા હતા અને આગળના તબક્કા પછી પસંદ કરાયેલા ઉમેદવારોની કુલ સંખ્યા ૧૭૦ રહી હતી. સત્તાવાર માહિતી અનુસાર લઘુમતીઓ માટે અનામત ૧૨૩ બેઠકો ખાલી છે.

મીડિયા અહેવાલ અનુસાર ખેમ ચંદના માતા-પિતાએ તેમના પુત્રના શિક્ષણ માટે ઊંચા વ્યાજ દરે લોન લીધી હતી અને ઘરેણાં વેચ્યા હતા. ખેમ ચંદ જંડોરા સમુદાયના છે, જે એક સિંધી સમુદાય છે. ખેમ ચંદના પિતા આ સમુદાયના પ્રથમ ક્રાંતિકારી હતા, કારણ કે તે સમયે શિક્ષણ મેળવવું એ વિદ્રોહ અને પૂર્વજોના કામ સાથે વિશ્વાસઘાત માનવામાં આવતું હતું.

જ્યારે જીવન રેબારીની સફળતા પણ ખાસ છે કે કારણ કે તેમણે લઘુમતી ક્વોટાની મદદ લીધી ન હતી, પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે જનરલ મેરિટના આધારે સફળતા મેળવી હતી. રેબારી એ સમુદાયના છે કે જેનું કામ પશુપાલન કરવાનું અને ઘાસચારો-પાણીની શોધમાં ગામડે-ગામડે ફરતા રહેવાનું હતું. 

તેમણે સરકારી સંસ્થાઓમાંથી યુનિવર્સિટીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમણે ૨૦૨૧માં સિંધ યુનિવર્સિટીના કાયદા વિભાગમાંથી એલએલબીની ડિગ્રી મેળવી અને પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાહોર જતા રહ્યા હતા.