ગાંધીનગરઃ ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ આજે જાહેર થયું હતું. ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું હતું. 2026ની પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. આ વખતે પણ વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. વિજ્ઞાનપ્રવાહમાં મોરબી જિલ્લો અને સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યા છે. રાજ્યની કુલ 2,030 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.
ધોરણ 12 સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ના મુખ્ય અંશ:
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: મોરબી (94.85%)
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: દાહોદ (57.44%)
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: કુંભારીયા (98.62%)
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: લીમડી-દાહોદ (42.98%)
ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપના 90.79 ટકા, બી ગ્રુપના 79.87 ટકા અને એબી ગ્રુપનું 69.44 ટકા પરિણામ જાહેર થયું હતું. A1 ગ્રેડમાં 1576, A2 ગ્રેડમાં 11,756, B1 ગ્રેડમાં 19,310, B2 ગ્રેડમાં 20,791, C1 ગ્રેડમાં 20,859, C1 ગ્રેડમાં 16047, D ગ્રુપમાં 3,321 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. GUJCET 2026માં એ ગ્રુપમાં 695 અને બી ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓએ 99થી વધુ PR મેળવ્યા હતા.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના મુખ્ય અંશ:
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો: આહવા-ડાંગ (97.88%)
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો: અમદાવાદ શહેર (87.10%)
સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રો: તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા (100% પરિણામ)
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર: કારઠ (64.88%)
ગુજરાત બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના 535 કેન્દ્રો પર 26/02/2026 થી 18/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં, 4,36,572 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 4,35,102 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, અને 4,03,362 ઉમેદવારો પાસ થયા હતા. નિયમિત ઉમેદવારોનું પરિણામ 92.71 ટકા હતું. દરમિયાન, 15859 ઉમેદવારો રિપીટ ઉમેદવારો તરીકે નોંધાયેલા હતા જેઓ પાછલા વર્ષોમાં પાસ થયા ન હતા, જેમાંથી 14864 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 9367 ઉમેદવારો સફળ થયા હતા. આમ, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 63.02% જાહેર થયું હતું. આ પરીક્ષામાં, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) હેઠળ 35,231 નિયમિત ઉમેદવારો નોંધાયેલા હતા, જેમાંથી 33,505 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, અને 20,638 ઉમેદવારો પાસ થયા હતા. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) હેઠળ નિયમિત ઉમેદવારોનું પરિણામ 61.60 ટકા જાહેર થયું હતું. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) હેઠળ 7,889 ઉમેદવારો રિપીટ ઉમેદવારો તરીકે નોંધાયેલા હતા. જેઓ પાછલા વર્ષોમાં પાસ થયા ન હતા, જેમાંથી 7,415 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 4,459 ઉમેદવારો સફળ થયા હતા. આમ, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) હેઠળ રિપીટ ઉમેદવારોનું પરિણામ 60.13 ટકા જાહેર થયું હતું.
દીકરીઓનો દબદબો
સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10% રહ્યું છે, જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ 95.41% આવ્યું છે. આમ, વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું પરિણામ 5.31% વધુ રહ્યું છે, જે દર્શાવે છે કે શિક્ષણમાં દીકરીઓ સતત આગળ વધી રહી છે.
વોટ્સએપથી પણ મળશે પરિણામ
વિદ્યાર્થીઓ મોબાઇલ પર જ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મેસેજ કરીને પરિણામ મેળવી શકશે..