Tue Sep 15 2026

Logo

પાકિસ્તાનની ટી-20 લીગ હવે બે જ સ્ટેડિયમમાં રમાશે અને એમાં પણ પ્રેક્ષકોને નો-એન્ટ્રી!

lahor   2026-03-22 18:34:11
Author: Ajay Motiwala
પાકિસ્તાનની ટી-20 લીગ હવે બે જ સ્ટેડિયમમાં રમાશે અને એમાં પણ પ્રેક્ષકોને નો-એન્ટ્રી!

PSL 2026


લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પોતાની વાર્ષિક ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL) ભારતની આઇપીએલની બે દિવસ પહેલાં એટલે કે 26મી માર્ચે શરૂ કરવાની થોડા દિવસ પહેલાં જોરશોરથી જાહેરાત કરી હતી અને છ શહેરમાં પીએસએલની મૅચો રમાશે એવું પણ જાહેર કર્યું હતું, પણ આરંભ પહેલાં જ એણે શેડ્યૂલમાં મોટા ફેરફાર કરીને ક્રિકેટ જગતમાં શરમમાં મૂકાવું પડ્યું છે. બીજું, પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પીએસએલની મોજ નહીં માણવા મળે, તેમને સ્ટેડિયમમાં પ્રવેશવા નહીં દેવાય. ક્રિકેટપ્રેમીઓએ માત્ર ટીવી પર તથા મોબાઇલની ઍપ પર જ મૅચો જોવી પડશે.

ઇરાન સામેના અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધની ઘેરી અસર અખાતના દેશો પર પણ પડી રહી છે તેમ જ પાકિસ્તાનને અફઘાનિસ્તાનના હુમલાનો પણ ડર છે એટલે પીસીબીએ 26મી માર્ચે શરૂ થનારી આઠ ટીમ વચ્ચેની પીએસએલ માટેના છ શહેરના નામની યાદીમાં ફેરફાર કરાયો છે અને આ ટૂર્નામેન્ટને બે શહેર પૂરતી મર્યાદિત કરી નાખી છે. અગાઉ પીએસએલની મૅચો લાહોર, કરાચી, પેશાવર, રાવલપિંડી, મુલતાન અને ફૈસલાબાદમાં રમાવાની હતી. જોકે હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે ફક્ત બે શહેર (કરાચી અને લાહોર)માં આ તમામ મૅચો રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર, ઍડમ ઝૅમ્પા સહિતના જાણીતા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ભાગ લેવાના છે.

પેશાવર શહેર અફઘાનિસ્તાનની નજીક છે અને તાજેતરના ટૂંકા યુદ્ધવિરામને બાદ કરતા પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે યુદ્ધ ચાલી જ રહ્યું છે. પાકિસ્તાનના સૈન્યએ થોડા દિવસ પહેલાં કાબુલની એક હૉસ્પિટલ પર પ્રચંડ હુમલો કર્યો હતો જેમાં 400 લોકોના જીવ ગયા હતા અને 250 લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાને એ હુમલાનો બદલો લેવાનું પ્રણ લીધું છે.

ગયા વર્ષના એશિયા કપથી ક્રિકેટ જગતમાં બદનામ થયેલા પીસીબીના ચીફ મોહસિન નકવીએ રવિવારે લાહોરમાં પત્રકારોને કહ્યું, `પીએસએલ આપણી આંતરરાષ્ટ્રીય બૅ્રન્ડ અને આપણું ગૌરવ છે એટલે એ શેડ્યૂલ મુજબ 26મી માર્ચે જ શરૂ થશે, પણ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને આવવાની છૂટ નહીં મળે. પાકિસ્તાન સરકારે વર્તમાન ગંભીર પરિસ્થિતિમાં ખર્ચ પર કાપ મૂકવાનું નક્કી કર્યું હોવાથી સ્થળોની સંખ્યા ઘટાડવામાં આવી છે.' પીએસએલ જો છ શહેરમાં રમાવાની હોત તો ખેલાડીઓને એ શહેરોમાં વિમાન દ્વારા પહોંચાડવાનો તેમ જ ત્યાંની હૉટેલોમાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવાનો તોતિંગ ખર્ચ પીસીબીએ ભોગવવો પડ્યો હોત.