Tue Oct 06 2026

Logo

સાયબર ઠગોએ છેતરપિંડી માટે ઉપયોગ કર્યો પ્રિયંકા ગાંધીનો અવાજ, સ્કેમ એલર્ટ જાહેર

2026-09-10 16:45:36
Author: Chandrakant Kanoja
સાયબર ઠગોએ છેતરપિંડી માટે ઉપયોગ કર્યો પ્રિયંકા ગાંધીનો અવાજ, સ્કેમ એલર્ટ જાહેર

નવી દિલ્હી: દેશમાં સતત સાયબર ફ્રોડના કેસ  વધી રહ્યા છે. જેમાં હવે સાયબર ઠગો કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના નામ અને અવાજનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે પ્રિયંકા ગાંધીના કાર્યાલયે  ઇન્સ્ટાગ્રામ પર 'સ્કેમ એલર્ટ' જાહેર કર્યું છે. 

તમામ વીડિયો છેતરપિંડી ભરેલા 

આ અંગે પ્રિયંકા ગાંધીના કાર્યાલયે જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધીનો ફોટો  અને અવાજ ધરાવતા AI-જનરેટેડ  નકલી ફોટા અને વીડિયો WhatsApp, Instagram અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફરી રહ્યા છે. આ વીડિયોમાં લોકોને નાણાંનું રોકાણ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. તેથી કાર્યાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા તમામ વીડિયો છેતરપિંડી ભરેલા છે. તેથી  લોકોને વિનંતી કરવામાં આવી છે આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરે કે રોકાણ ન કરે અને આવી પોસ્ટ્સને રિપોર્ટ અથવા  બ્લોક કરે. 

નાણામંત્રીનો પણ આવો જ એક વીડિયો પ્રકાશમાં આવ્યો હતો

આ પૂર્વે  ઓગસ્ટ મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણનો પણ આવો જ એક બનાવટી વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. જેને સરકારે નકારી કાઢ્યો હતો.

અવાજની નકલ કરવા માટે AIનો ઉપયોગ 

ઉલ્લેખનીય છે કે, હાલમાં સાયબર ઠગો  છેતરપિંડી માટે સતત નવી રીતો અપનાવી રહ્યા છે. જેમાં લોકપ્રિય રાજકીય નેતાઓ અને સેલિબ્રિટીઓના વીડિયો બનાવવા તેમજ તેમના અવાજની નકલ કરવા માટે AIનો ઉપયોગ કરે છે. 

કોઇ  અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો

જેના પગલે આવા કોઇપણ વીડિયોમાં વધુ નફાની બાંહેધરી આપવામાં આવતી  હોય  તો નિષ્ણાતો સાવચેતી રાખવાની સલાહ આપે છે. તેમજ કોઇ  અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અને કોઈપણ રોકાણ યોજનામાં નાણાં રોકતા પહેલા તેની વિશ્વસનીયતાની હંમેશા ચકાસણી કરો. જો કોઈ યોજના સરકાર કે રાજકીય નેતા દ્વારા જાહેર કરવામાં આવી હોય તો તેની વિગતો સત્તાવાર વેબસાઇટ પર ચોક્કસ તપાસવી જોઇએ.