Sun Jul 26 2026

Logo

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિના પ્રોટોકોલનો થયો ભંગઃ રાજ્ય સરકાર પાસે કેન્દ્રએ માગ્યો જવાબ

2026-03-08 14:40:00
Author: Tejas Rajpara
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના તાજેતરના પ્રવાસ દરમિયાન પ્રોટોકોલના ભંગ અને કાર્યક્રમના સ્થળમાં ઓચિંતા ફેરફારને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્ય સચિવ પાસેથી વિગતવાર ખુલાસો માંગ્યો છે. રાષ્ટ્રપતિના સન્માન અને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ક્ષતિઓએ હવે દિલ્હી અને કોલકાતા વચ્ચે રાજકીય ગરમાવો વધારી દીધો છે, જેમાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.

રાષ્ટ્રપતિ મુર્મૂ દાર્જિલિંગમાં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. નિયમ મુજબ રાષ્ટ્રપતિના આગમન સમયે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ કે ડીજીપી હાજર હોવા જોઈએ, પરંતુ અહીં માત્ર સિલીગુડીના મેયર જ સ્વાગત માટે ઉપસ્થિત હતા. વધુમાં, કાર્યક્રમનું સ્થળ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવ્યું હતું, જેના કારણે રાષ્ટ્રપતિએ પોતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મમતા બેનર્જીને 'નાની બહેન' કહીને પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ નારાજ છે? કારણ કે કોઈ મંત્રી પણ તેમને લેવા માટે પહોંચ્યા નહોતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા સંબંધિત 'બ્લુ બુક'ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. જે માર્ગ પરથી રાષ્ટ્રપતિનો કાફલો પસાર થવાનો હતો ત્યાં ગંદકીના ગંજ હતા અને રાષ્ટ્રપતિ માટેના વોશરૂમમાં પાણીની પણ વ્યવસ્થા ન હોવાના અહેવાલો મળ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને લોકશાહીના મૂલ્યો પર આઘાત ગણાવીને મમતા સરકારની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટીએમસી સરકારે સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન કરીને રાજ્યમાં વ્યાપ્ત અરાજકતાનું પ્રદર્શન કર્યું છે.

બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાષ્ટ્રપતિનું સન્માન કરે છે, પરંતુ હાલમાં તેઓ ધરણા પર હોવાથી દરેક કાર્યક્રમમાં હાજર રહેવું શક્ય નથી. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે જે સંથાલ સંમેલનમાં રાષ્ટ્રપતિ ગયા હતા, તેના આયોજન કે ફંડિંગ વિશે રાજ્ય સરકારને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી. તેમના મતે, રાજ્ય સરકાર આ આયોજનનો ભાગ ન હોવાથી પ્રોટોકોલ ભંગનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.