નવી દિલ્હી: દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આ વર્ષે સુરક્ષા કારણોસર સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીના લાલ કિલ્લા પર 20,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તેમજ એક હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તેમજ એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા બે ભાગમાં વહેંચાયેલી
સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીના લાલ કિલ્લા પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ડીસીપી (ઉત્તર) રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થા બે ભાગમાં વહેંચાયેલી છે. જેમાં હ્યુમન ડિપલોયમેન્ટ અને ટેકનિકલ ડિપલોયમેન્ટ છે.જેમાં સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન વિવિધ એજન્સીઓના આશરે 15,000 થી 20,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થામાં NSG કમાન્ડો, સ્નાઈપર્સ, NDRFનો સમાવેશ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થામાં દિલ્હી પોલીસના ટ્રાફિક યુનિટ, ઉત્તર જિલ્લા ટીમો, સ્થાનિક પોલીસ, પીસીઆર, સ્પેશિયલ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ ઉપરાંત અન્ય સુરક્ષા દળોનો સમાવેશ થશે. તેમજ સુરક્ષા વ્યવસ્થામાં NSG કમાન્ડો, સ્નાઈપર્સ, NDRFઅને QRTsનો સમાવેશ થાય છે.
વોચટાવર પર ક્વિક રિએક્શન ટીમો તૈનાત
આ ઉપરાંત કોઇપણ આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ પણ હાજર રહેશે. જેમાં વ્યૂહાત્મક સ્થળો અને વોચટાવર પર ક્વિક રિએક્શન ટીમો તૈનાત કરવામાં આવશે. ટેકનિકલ સુરક્ષા પગલાંના ભાગ રૂપે, લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. જેના નિરીક્ષણ માટે કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યાં ટ્રેઇન કર્મચારીઓ લાઈવ ફીડ્સ પર નજર રાખશે.