Mon Oct 05 2026

Logo

પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજની દીવાલ ધસી પડતા 9 શ્રમિકનાં મોત, ગેસ ગળતરથી અફડાતફડી

2026-03-23 17:33:38
Author: Mumbai Samachar Team
પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજની દીવાલ ધસી પડતા 9 શ્રમિકનાં મોત, ગેસ ગળતરથી અફડાતફડી

પ્રયાગરાજ: જિલ્લામાં ફાફામઉ વિસ્તારમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની દીવાલ અચાનક ધરાશાયી થતાં મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા છે. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 શ્રમિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અચાનક બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી અને સ્થાનિક પ્રશાસન તાબડતોબ બચાવ કામગીરીમાં જોતરાયું હતુ.

મળતી માહિતી મુજબ આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ એમોનિયા ગેસની પાઇપ ફાટવી હોવાનું માનવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દીવાલ પડતા પહેલા એક જોરદાર ધડાકો સંભળાયો હતો, જે કદાચ પાઇપ ફાટવાનો અવાજ હતો. ત્યાર બાદ ક્ષણભરમાં જ આખી દીવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. દુર્ઘટના સમયે અંદાજે 20 જેટલા મજૂર ત્યાં કામ કરી રહ્યા હતા, જેમાંથી અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. 

દીવાલ પડવાની સાથે જ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું ગળતર શરૂ થઈ ગયું હતું. ગેસની તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના રહેવાસીઓમાં ફાળ પડી હતી અને લોકો સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા હતા. ગેસ લીકેજને કારણે NDRF અને SDRFની ટીમોને રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલી પડી રહી હતી. બચાવકર્મીઓ અને સ્થાનિક લોકો મોઢા પર રૂમાલ કે ગમછો બાંધીને મલબો હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સ્થાનિકોએ દુર્ઘટના બાદ બચાવ ટીમ મોડી પહોંચી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. રોષે ભરાયેલા ગ્રામજનોએ એમ્બ્યુલન્સ પર પથરાવ કર્યો હતો, જેના કારણે પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા પ્રયાગરાજના પોલીસ કમિશનર જોગિંદર કુમાર અને ડીએમ મનીષ વર્મા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે સ્વરૂપ રાની (SRN) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ઘણાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

બચી ગયેલા એક મજૂરે જણાવ્યું કે, અકસ્માત સમયે લંચ બ્રેક હતો અને મોટા ભાગના શ્રમિકો જમીને આરામ કરી રહ્યા હતા. બિલ્ડિંગ અચાનક તૂટી પડતા કોઈને ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો. આ કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના પૂર્વ ધારાસભ્યનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં જેસીબીની મદદથી કાટમાળ હટાવીને અન્ય ફસાયેલા લોકોને બહાર કાઢવાની કવાયત તેજ કરવામાં આવી છે.