લાખનઉ: આજે ઉત્તર પ્રદેશમાંથી એક મોટા સમાચાર મળ્યા. સમાજવાદી પાર્ટીના સ્થાપક અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવનાં નાના દીકરા પ્રતીક યાદવનું લખનઉમાં અચાનક અવસાન થયું છે, તેની ઉંમર માત્ર 38 વર્ષ હતી. આજે સવારે 4 વાગ્યાની આસપાસ પ્રતીક યાદવ તેના ઘરના રસોડામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો. આજે વહેલી સવારે તેને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો, ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
પ્રતીકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો ત્યારે, તેની પત્ની અપર્ણા યાદવ લખનઉમાં હાજર ન હતી. અપર્ણા યાદવ અગાઉ ગુજરાતના સોમનાથની યાત્રા એ ગઈ હતી, ત્યાંથી તે આસામ પહોંચી હતી. પતિના મૃત્યુના સમાચાર મળતા જ અપર્ણા યાદવ લખનઉ જવા રવાના થઈ ગઈ. દિલ્હી થઈને લખનઉ પરત ફરી રહી છે. તેની કનેક્ટિંગ ફ્લાઇટ છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ પ્રતીકના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ નક્કી થશે. ચાર ડોકટરોની ટીમ તેના મૃત દેહનું પોસ્ટમોર્ટમ કરશે, જેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, પ્રતીક યાદવ લાંબા સમયથી ફેફસાંની સમસ્યાથી પીડાતા હતા અને મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રતીક યાદવ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા.
અખિલેશ યાદવે પણ પોસ્ટમોર્ટમ હાઉસની મુલાકાત લીધી હતી. પ્રતીક યાદવ મુલાયમ સિંહ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના દીકરા હતા.