Thu Sep 03 2026

Logo

'રાજનીતિમાં ક્યારેય ફુલસ્ટોપ નથી હોતો', રાજ્યસભામાં સાંસદોની વિદાય વેળાએ પીએમ મોદીનું સંબોધન

2026-03-18 16:03:00
Author: Tejas Rajpara
'રાજનીતિમાં ક્યારેય ફુલસ્ટોપ નથી હોતો', રાજ્યસભામાં સાંસદોની વિદાય વેળાએ પીએમ મોદીનું સંબોધન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે બુધવારે રાજ્યસભામાંથી વિદાય લેતા સંસદ સભ્યોને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડા અને એનસીપીના શરદ પવારનો ખાસ ઉલ્લેખ કર્યો. એપ્રિલથી જુલાઈ મહિના વચ્ચે નિવૃત્ત થઈ રહેલા કુલ 59 સભ્યો માટે ગૃહમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવૃત્ત થઈ રહેલા સાંસદોના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે, આ ગૃહમાં દરેક સભ્યએ પોતાના અનુભવ અને જ્ઞાનથી દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ એક તરફ લોકસભામાં પ્રશ્નકાળ ચાલતો હતો, ત્યારે બીજી તરફ રાજ્યસભામાં જૂની યાદો તાજી થઈ રહી હતી.

પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું કે, લોકશાહીમાં કે રાજનીતિમાં ક્યારેય 'ફુલસ્ટોપ' એટલે કે પૂર્ણવિરામ હોતું નથી. તેમણે ઉમેર્યું કે, રાજ્યસભા એક એવું ગૃહ છે જ્યાં દર બે વર્ષે એક મોટો સમૂહ વિદાય લે છે અને તેની જગ્યાએ નવા સભ્યો આવે છે. આ એક એવી અનોખી વ્યવસ્થા છે જેમાં નવા આવનારા સભ્યોને જૂના અને અનુભવી સભ્યો પાસેથી ઘણું શીખવા મળે છે. પીએમએ ખાસ ઉલ્લેખ કર્યો કે ભલે આપણી વચ્ચે ખટ્ટી-મીઠી યાદો રહી હોય, પરંતુ ગૃહના ગૌરવને જાળવવામાં દરેક પક્ષના સાંસદોએ પોતાની જવાબદારી નિભાવી છે.

વડાપ્રધાને રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન હરિવંશજીની કામગીરીની જાહેરમાં પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે ગૃહમાં સંકટનો સમય હોય કે ભારે હોબાળો થતો હોય, ત્યારે ઉપસભાપતિની જવાબદારી અને ધૈર્યની કસોટી થતી હોય છે, જેમાં હરિવંશજી હંમેશા ખરા ઉતર્યા છે. આ વિદાય લેનારા સભ્યોમાં પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડા અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. પીએમએ રામદાસ આઠવલેનો ઉલ્લેખ કરતા હળવી શૈલીમાં કહ્યું કે, ગૃહને તેમના વ્યંગની ખોટ પડશે, પરંતુ મીડિયાના માધ્યમથી તેમની કવિતાઓ અને ટકોર મળતી રહેશે.