Mon Jun 08 2026

Logo

'માતૃભાષા ભાગવત સપ્તાહ' અંગે PM મોદી અને શ્રદ્ધાળુઓએ શું કહ્યું? જાણો સંપૂર્ણ વિગતો

2026-04-03 20:09:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ 'મુંબઈ સમાચાર' આયોજિત ભાગવત સપ્તાહને લઈ બોરીવલી કૃષ્ણમય બની ગયું છે ત્યારે સપ્તાહને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાગવત સપ્તાહ અંગે સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મુંબઈ સમાચાર'ને શુભેચ્છા પાઠવી હતી. સમાચારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આજથી 200 વર્ષ પહેલા માતૃભાષાનું મહત્ત્વ સમજી શરુ થયેલા આ ઐતિહાસિક અખબારે વાચકોની અનેક પેઢીઓ દ્વારા સમાજ અને દેશ ઘડતર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ સભ્ય સમાજના ઘડતરમાં માતૃભાષા ચાવીરુપ ભૂમિકા ભજવે છે. સમગ્ર કથાના આયોજનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવવા સાથે ભાગવત સપ્તાહના આયોજન અંગે શ્રદ્ધાળુઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

PM મોદીએ 'મુંબઈ સમાચાર'ને પાઠવ્યો પત્ર: "200 વર્ષથી દેશ ઘડતરમાં અખબારની ભૂમિકા મહત્વની."

વ્યવસ્થા અંગે શ્રદ્ધાળુઓએ હરખ વ્યક્ત કર્યો
પહેલા દિવસના કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૈષ્ણવો પરંપરાગત વસ્ત્રોમાં પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ આયોજન અંગે સહર્ષ વ્યક્ત કર્યો હતો. એક બહેન કહ્યું હતું કે અહીં હર અને હરિ એમ બંનેના દર્શન કરાવ્યા છે. ગોવર્ધનનાથજીના પણ દર્શન કરાવ્યા છે. 84 બેઠકમાં પ્રભુજીની ઝાંખી કરવામાં આવી છે, જે આયોજન પણ સારું કર્યું હોવાનું જણાવ્યું હતું. વિદેશથી મુંબઈમાં બે વર્ષથી સ્થાયી થયેલા એક વડીલે કહ્યું હતું કે માતૃભાષાને જેટલું માન આપીશું એટલું માન મળશે. પહેલા દિવસની કથામાં ભક્તો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા, જેમાં મહિલાઓ પણ ગરબે ઘૂમ્યા હતા.

હિંદુઓએ સંગઠિત થઈને કામ કરવાની જરુર
ભાગવત સપ્તાહના કાર્યક્રમને બિરદાવતા મરાઠી મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. એક મહિલાએ કહ્યું હતું કે ભાગવત સપ્તાહનું આયોજન કરીને 'મુંબઈ સમાચાર'એ બહુ મોટું કામ કર્યું છે. અન્ય એક વૃદ્ધ મહિલાએ સમાચારે મહામહેનત કરીને કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૌ હિંદુઓએ સાથે મળીને કામ કરવાની જરુર હોવાનું 'મુંબઈ સમાચાર' ટીમને જણાવ્યું હતું.

અહીં એ જણાવવાનું કે મુંબઈ સમાચાર દ્વારા બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ, 2026 દરમિયાન મુંબઈના બોરીવલી વિસ્તારમાં ભવ્ય ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધ માતૃભાષાઓની સેવા કરનારા એવા સાહિત્યકારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવાનો છે જેમણે પોતાનું સમગ્ર જીવન ભાષાની સેવામાં સમર્પિત કર્યું છે. આ સમગ્ર મહોત્સવ દ્વારા જે ઉપાર્જન થશે, તેનો ઉપયોગ ભારતની વિવિધ માતૃભાષાઓના વીર સાહિત્યકારો માનભેર જીવન જીવી શકે તે માટે કરવામાં આવશે.