Sun Sep 06 2026

Logo

PM મોદીએ આંધ્રપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન; 17,900 કરોડના વિકાસ કાર્યોની ભેટ

2026-08-01 13:49:00
Author: Vimal Prajapati
PM મોદીએ આંધ્રપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન; 17,900 કરોડના વિકાસ કાર્યોની ભેટ

વિજયનગરમઃ આંધ્ર પ્રદેશના વિકાસમાં વધારો થયો છે. દેશ સારી એવી પ્રગતિ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું છે. રૂપિયા 5,640 કરોડના ખર્ચે બનેલા આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ હવાઈ જોડાણને મજબૂત બનાવશે અને પ્રાદેશિક વિકાસને વેગ આપશે. આ એરપોર્ટ આતંરરાષ્ટ્રીય યાત્રાઓ માટે અતિમહત્વપૂર્ણ સાબિત થવાનું છે. 

એરપોર્ટ ટર્મિનલની ડિઝાઇન કોની પ્રેરણાથી બનાવાઈ?

એરપોર્ટની ખાસ કરીને વાત કરવામાં આવે તો, એરપોર્ટ ટર્મિનલની ડિઝાઇન આંધ્રપ્રદેશના પરંપરાગત 'ચુટીલુ' કોટેજ, અરાકુ ખીણ અને 'ઉડતી માછલી'માંથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. આ એરપોર્ટ વાર્ષિક 60 લાખથી પણ વધારે મુસાફરોને સેવા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આનો સૌથી વધારે કોમર્સિયલ અને પ્રવાસન ક્ષેત્રને ફાયદો થવાનો છે. 

રૂપિયા 17,900 કરોડના વિકાસ કાર્યો  રાષ્ટ્રને સમર્પિત થશે

આજે પીએમ મોદી રૂપિયા 17,900 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. વડા પ્રધાન આંધ્રપ્રદેશના પ્રથમ સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમનો શિલાન્યાસ પણ કરવાના છે. હાલમાં, મુખ્ય સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાણંદ અને ધોલેરા (ગુજરાત), આસામ અને ઉત્તર પ્રદેશમાં સ્થિત છે.

મૈસુરુના રામકૃષ્ણ આશ્રમ ખાતે ‘વિવેક સ્મારક’નું ઉદ્ઘાટન 

આંધ્રપ્રદેશ ઉપરાંત, પીએમ મોદી કર્ણાટકને પણ અનેક પ્રોજેક્ટ્સ ભેટ આપવાના છે. તેઓ મૈસુરુના રામકૃષ્ણ આશ્રમ ખાતે ‘વિવેક સ્મારક’એટલે કે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાના છે. આ ‘વિવેક સ્મારક’ નવેમ્બર 1892માં સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં બનાવવામાં આવ્યું છે.