Sun Jul 26 2026

Logo

4398 દિવસ અને નવો વિક્રમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે તોડ્યો નેહરુનો રેકોર્ડ? જાણો દિવસો અને તારીખોનું પૂરું ગણિત...

2026-06-09 18:27:31
Author: Darshana Visaria
Article Image

AI Generated Images


દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે... 

સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ  એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.

વૈશ્વિક દિગ્ગજોથી પીએમ મોદી કેટલા પાછળ છે?
ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.

જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.