આજે 17મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. પોતાના બર્થડે નિમિત્તે નવી દિલ્હીના દ્વારકા સ્થિત યશોભૂમિ ખાતે આયોજિત ત્રણ દિવસીય મેગા સમિટ 'સેમીકોન ઈન્ડિયા 2026' (SEMICON India 2026)નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. દેશને સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવાના સંકલ્પ વચ્ચે કાર્યક્રમ દરમિયાન એક અત્યંત રસપ્રદ અને હળવી ક્ષણ જોવા મળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા ઈનોવેટર્સ અને ડેલિગેટ્સે જ્યારે વડા પ્રધાનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, ત્યારે પીએમ મોદીએ પણ પોતાના આગવા રમૂજી અંદાજમાં વળતો જવાબ આપ્યો હતો. વડાપ્રધાને આ હળવી પળોની એક ખાસ રીલ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
પીએમ મોદીએ સેમીકોન ઈન્ડિયા 2026 સમિટ દરમિયાનનો વીડિયો શેર કરતાં કેપ્શન આપ્યું હતું: "Of birthdays and same-to-yous...". વીડિયોમાં જોવા મળે છે કે યુવા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને ઉત્સાહભેર "હેપ્પી બર્થડે સર" કહીને વધાવી રહ્યા હતા, જેના જવાબમાં પીએમ મોદીએ હસતાં હસતાં "Same to you" કહીને સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું હતું.
'સિલિકોન ટુ સિસ્ટમ્સ: બિલ્ડિંગ ધ ઇકોસિસ્ટમ' થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં 52થી વધુ દેશોની 600થી વધુ અગ્રણી કંપનીઓ અને હજારો સ્ટુડન્ટ્સ-રિસર્ચર્સ ભાગ લઈ રહ્યા છે. વડા પ્રધાન મોદીએ એક્ઝિબિશન સેન્ટરમાં ફરીને સેમિકન્ડક્ટર, એડવાન્સ પેકેજિંગ અને ચિપ ડિઝાઇનિંગ સાથે જોડાયેલા યુવા ઈનોવેટર્સ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી અને દેશના ભવિષ્ય નિર્માણમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.