ભરત ભારદ્વાજ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. મોદીના બે દિવસના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેલબોર્નના સ્ટેડિયમમાં 'મોદી મોદી'ના નારા લાગ્યા કે મોદીએ ઓસ્ટ્રેલિયન ટી-20 લીગ બિગ બેશની લીગ મેચો ભારતના ચેન્નાઈમાં રમાડવાની જાહેરાત કરી એવા ફાલતુ મુદ્દાઓને મીડિયામાં બહુ ચગાવાયા પણ મોદીએ દેશના હિતમાં કરેલા અસલી કામની બહુ નોંધ ના લેવાઈ.
આ કામ ઓસ્ટ્રેલિયાએ નાગરિક પરમાણુ ઉપયોગ માટે ભારતને યુરેનિયમ વેચવા આપેલી સંમતિ છે. ઓસ્ટ્રેલિયા ભારતને કેટલું યુરેનિયમ આપશે તેનો ફોડ નથી પડાયો પણ મોદી અને ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ વચ્ચે થયેલા કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને હવે સતત યુરેનિયમનો જથ્થો આપ્યા કરશે એ સ્પષ્ટ રીતે કહેવાયું છે તેથી ભારતને બહુ મોટી રાહત થઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના નિર્ણયથી ભારત માટે પ્રદૂષણ ઘટાડીને વીજ ઉત્પાદન કરવા આડેનો એક બહુ મોટો અવરોધ દૂર થઈ ગયો છે. ભારતે સંખ્યાબંધ પરમાણુ મથકો સ્થાપ્યાં છે અને આ કામ ચાલુ જ છે. હજુય ભારત એક પછી એક પરમાણુ ઊર્જા મથકોની સ્થાપના કરી રહ્યું છે કેમ કે દેશની ઊર્જા જરૂરિયાત પણ રોજ રોજ વધતી જાય છે.
કોલસા આધારિત વીજમથકોના કારણે પર્યાવરણની ગંભીર સમસ્યાઓ પણ પેદા થઈ રહી છે તેથી ભારતનો પરમાણુ ઊર્જા મથકો સ્થાપ્યા સિવાય છૂટકો નથી. આ મથકોને યુરેનિયમનો અવિરત જથ્થો મળતો રહેવો જોઈએ. વિશ્વમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પાસે જંગી પ્રમાણમાં યુરેનિયમ છે પણ બંને દેશો ભારતને યુરેનિયમ આપવામાં છૂટો હાથ નથી રાખતા. તેના કારણે આપણે પરમાણુ મથકોની ક્ષમતા જેટલી વીજળી પણ પેદા કરી શકતા નથી.
ઓસ્ટ્રેલિયા ભારતને સતત યુરેનિયમ આપ્યા કરે તો ભારતનાં પરમાણુ વીજમથકો ધમધમતાં થઈ જાય ને કોલસા પરની આપણી નિર્ભરતા ઘટે. અત્યારે ભારતના વીજ ઉત્પાદનમાં પરમાણુ વીજળીનો ફાળો માંડ 3 ટકા છે. મોદી સરકારે 2047 સુધીમાં આ પ્રમાણ વધારીને 30 ટકા કરવાનું અને 100 ગિગાવોટ પરમાણુ વીજળી પેદા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ લક્ષ્યને પાર પાડવાનો બધો મદાર ઓસ્ટ્રેલિયા પર છે કેમ કે વિશ્વમાં અત્યાર સુધી શોધાયેલા યુરેનિયમના ભંડારના લગભગ 28 ટકા ઓસ્ટ્રેલિયા પાસે છે. દુનિયામાં સૌથી મોટા ભંડાર ચીન પાસે છે પણ ચીનની પોતાની જરૂરિયાત જ બહુ મોટી છે તેથી એ આપણને યુરેનિયમ આપે એ વાતમાં માલ નથી.
ઓસ્ટ્રેલિયા પોતાને ત્યાં ખનન કરીને કઢાતા તમામ યુરેનિયમની નિકાસ કરે છે કેમ કે ઓસ્ટ્રેલિયા નથી પરમાણુ વીજમથકો ચલાવતું કે નથી પરમાણુ શસ્ત્રો બનાવતું. આ સંજોગોમાં ભારત માટે ઓસ્ટ્રેલિયા યુરેનિયમની જરૂરિયાત પૂરી કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કઝાખસ્તાન પાસે પણ મોટા પ્રમાણમાં યુરેનિયમનો જથ્થો છે.
ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનું સભ્ય બન્યું પછી કઝાખસ્તાન પણ ભારતને યુરેનિયમ આપવા સહમત થયું છે પણ કઝાખસ્તાન પાસે ઓસ્ટ્રેલિયા જેવી ટેકનોલોજી નથી ને યુરેનિયમની ગુણવત્તા પણ ઉતરતી છે તેથી ભારતને ઓસ્ટ્રેલિયાના યુરેનિયમમાં જ વધારે રસ હતો. ઓસ્ટ્રેલિયાએ આપણી લાગણીને સમજીને યુરેનિયમ આપવાની તૈયારી બતાવીને સારું કર્યું.
કમનસીબે ભારતમાં આ નિર્ણયની ખુશી મનાવવાના બદલે દેશના બે મુખ્ય રાજકીય પક્ષો કૂતરાં-બિલાડાંની જેમ લડી રહ્યા છે. મોદી અને અલ્બેનીઝ વચ્ચે થયેલા કરારને પગલે ભાજપે મોદી સરકારની ઐતિહાસિક સિદ્ધિ ગણાવતી ટ્વીટ કરી તેના પગલે કૉંગ્રેસને મરચાં લાગી ગયાં છે.
કૉંગ્રેસનું કહેવું છે કે, ઓક્ટોબર 2008 માં ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા પછી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન જુલિયા ગિલાર્ડે ડિસેમ્બર 2011માં ભારતને યુરેનિયમ વેચાણની મંજૂરી આપવા માટે લેબર પાર્ટીની મંજૂરી મેળવી લીધી હતી તેથી આ નિર્ણયમાં કશું નવું નથી એટલે ભાજપ જશ ખાટવાનું છોડી દે.
કૉંગ્રેસની વાત હાસ્યાસ્પદ છે કેમ કે ઓસ્ટ્રેલિયાએ ભલે ભારતને યુરેનિયમ આપવાની તૈયારી બતાવી પણ અત્યાર લગી યુરેનિયમ આપ્યું નથી. ભારતે 1998માં પરમાણુ પરીક્ષણ કર્યું તેના પગલે અમેરિકા સહિતના દેશોએ ભારત પર ઢગલાબંધ પ્રતિબંધો મૂક્યા તેમાં એક મુદ્દો ભારતને યુરેનિયમનું વેચાણ નહી કરવાનો પણ હતો.
ડો. મનમોહનસિંહની સરકારે 2008માં અમેરિકા સાથે કરેલા પરમાણુ કરારને પગલે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપે છૂટ આપી પછી ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપના સભ્ય દેશો પાસેથી યુરેનિયમ ખરીદવાની મંજૂરી મળી ગઈ હતી. તેના પગલે 2011માં ઓસ્ટ્રેલિયાની સરકારે સૈદ્ધાંતિક છૂટ આપી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2014માં થયેલા નાગરિક પરમાણુ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને નાગરિક પરમાણુ ઉપયોગ માટે એટલે કે વીજળી પેદા કરવા યુરેનિયમ આપવા સૈદ્ધાંતિક રીતે સંમત થયેલું પણ તેનું કદી પાલન નહોતું કર્યું.
ભારત વારંવાર ઓસ્ટ્રેલિયાને પરમાણુ કરારનો અમલ કરીને યુરેનિયમ આપવા વિનંતી કરતું હતું પણ ઓસ્ટ્રેલિયા એક યા બીજા બહાને વાત ટાળી દેતું હતું તેથી વાસ્તવિક રીતે કદી કરારનો અમલ ના થયો. ઓસ્ટ્રેલિયાને સૌથી મોટો વાંધો એ હતો કે, ભારતે પરમાણુ બિન પ્રસાર સંધિ પર સહી કરી નથી. આ કારણે બંને દેશો વચ્ચે છેલ્લા 12 વર્ષથી પરમાણુ કરાર અસ્તિત્વમાં હોવા છતાં ભારતને યુરેનિયમ મળતું નહોતું.
હવે મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રા દરમિયાન મેલબોર્નમાં યોજાયેલા ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક સમિટમાં થયેલી ચર્ચાના કારણે ઓસ્ટ્રેલિયનોના મનમાં રામ વસ્યા હશે તેથી લાંબા સમયથી લટકેલી સમસ્યાનો નિવેડો લાવીને ભારતને યુરેનિયમ વેચવા ઓસ્ટ્રેલિયા રાજી થઈ ગયું તેથી તેનો જશ મોદી સરકાર ખાટે તેમાં કશું ખોટું નથી.
કૉંગ્રેસ 2011માં ઓસ્ટ્રેલિયાએ મંજૂરી આપી દીધેલી તેની પિપૂડી વગાડે છે પણ સૈદ્ધાંતિક મંજૂરીને શું કરવાની ? સૈદ્ધાંતિક મંજૂરીથી થોડાં પરમાણુ મથકો ચાલુ થવાનાં છે ? પરમાણુ મથકો ચલાવવા યુરેનિયમ જોઈએ ને કૉંગ્રેસની સરકાર યુરેનિયમ આપવા માટે ઓસ્ટ્રેલિયાને રાજી નહોતી કરી શકી એ વાસ્તવિકતા છે. કોંગ્રેસે આ વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે.
કૉંગ્રેસે હકારાત્મક વલણ અપનાવીને વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા તૈયાર થયું તેના મૂળમાં કૉંગ્રેસ સરકારે 2008માં અમેરિકા સાથે કરેલો પરમાણુ કરાર છે. ડૉ. મનમોહનસિંહની સરકારે 2008માં અમેરિકા સાથે પરમાણુ કરાર કરીને ભારત સાથે બીજા દેશોને પરમાણુ મુદ્દે સહકારનો તખ્તો તૈયાર કરી નાંખેલો.
ડૉ. મનમોહનસિંહે પોતાની સરકાર ગબડી જાય એવું જોખમ ઉઠાવીને આ કરાર કરેલો કેમ કે એ વખતે ડાબેરીઓએ પરમાણુ કરારના વિરોધમાં મનમોહનસિંહ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. મનમોહનસિંહનું આ વલણ સરાહનીય કહેવાય કેમ કે સત્તાની પરવા કર્યા વિના તેમણે દેશહિતને મહત્ત્વ આપ્યું. કૉંગ્રેસ એ માટે જશ પણ ખાટી શકે ને ગર્વ પણ લઈ શકે પણ પાણીમાંથી પોરા કાઢીને વાસ્તવિક રીતે જે બન્યું જ નહીં તેનો જશ ખાટવા જાય તેમાં ભૂંડી લાગે છે.