નવી દિલ્હી : ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના અવસરે સંસદ ભવનના પ્રેરણા સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેની મુલાકાત થઇ હતી.આ બે નેતા વચ્ચે સંસદમાં રજૂ થનારા મહિલા અનામત બિલ અંગે વાતચીત થઇ હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેને મહિલા અનામત બિલ મુદ્દે સમર્થન આપવા જણાવ્યું હતું.
બિલને સમર્થન કરવું બધાની જવાબદારી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા રજૂ કરવામાં આવી રહેલ બિલ મહિલાઓના હિતમાં છે અને તેને સમર્થન આપવું આપણા બધાની જવાબદારી છે. જ્યારે આ મુદ્દે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ ચર્ચા પછી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. ઉલ્લેખનીય છે કે 16, 17 અને 18 એપ્રિલે સંસદીય સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્ર દરમિયાન મહિલા અનામત બિલ લાગુ કરવાના હેતુથી સુધારા બિલ રજૂ કરવામાં આવશે.
સરકારે વિશેષ સત્ર બોલાવ્યું
આ ઉપરાંત કેન્દ્ર સરકાર વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ) લાગુ કરવા માટે તૈયાર છે. આમા વિલંબ ટાળવા અને જરૂરી સુધારાઓ પર સર્વસંમતિ માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષ પાસેથી સમર્થન માંગ્યું છે. આ કાયદો મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપશે. આ ઐતિહાસિક બિલને શક્ય તેટલી વહેલી તકે અમલમાં લાવવા માટે સરકારે એક વિશેષ સત્ર બોલાવ્યું છે.